શહેરના એસ.જી. હાઇવે સ્થિત ફન બ્લાસ્ટ ગેમ ઝોન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફન બ્લાસ્ટ ગેમ ઝોન પહોચ્યા
મુખ્યમંત્રીએ આંગણવાડીના બાળકો સાથે સમય વિતાવ્યો
મુખ્યમંત્રી બાળકો સાથે અનેક એક્ટિવિટીઓમાં જોડાયા
મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે હળવી મજાક પણ કરી
અમદાવાદ શહેરના એસ.જી. હાઇવે પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આંગણવાડીના બાળકો સાથે સમય વિતાવવા પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી બાળકો સાથે અનેક પ્રકારની એક્ટિવિટીઓમાં જોડાયા હતા.
ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી તમામ વિધાનસભાની આંગણવાડીના બાળકો દર શનિવારે એસ.જી. હાઇવે અને સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ખાતે ગેમ ઝોનમાં રમત રમવા માટે અને મજા કરવા માટે આવતાં હોય છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે નાનાં બાળકોની સાથે સમય વિતાવવા માટે પહોંચ્યા હતા, જ્યાં નાના બાળકોએ 2 હાથ ઊંચા કરીને તેમનું સ્વાગત કર્યું હતું.
આંગણવાડીના બાળકો દ્વારા કવિતાઓ, બાળગીત ગાવામાં આવ્યાં હતાં, જે સાંભળીને મુખ્યમંત્રી પણ ખુશ થઈ ગયા હતા. વધુમાં બાળકોને રમકડાં વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ બાળકો સાથે ટ્રેનમાં પણ બેઠા હતા. ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો, તો ક્યાંક અધિકારીઓ સાથે બાળક બનીને હળવી મજાક પણ કરી હતી. આ પ્રસંગે સહકારી આગેવાન બિપિન પટેલ, ફન બ્લાસ્ટના સંચાલક મહેન્દ્ર પટેલ સહિત આંગણવાડી કેન્દ્રની બહેનો તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.