Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મોંઘવારી-બેરોજગારી મુદ્દે કોંગ્રેનું "ગુજરાત બંધ" એલાન, પ્રદેશ પ્રમુખ બજારો બંધ કરાવવા નીકળ્યા...

મોંઘવારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત બંધના એલાનની જાહેરાત કરી

X

મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે શનિવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત બંધના એલાનની જાહેરાત કરી હતી, ત્યારે સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે રાજ્ય બંધના એલાનના પગલે અમદાવાદની મોટાભાગની શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી.

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે સવારે 8થી 12ના સમય વચ્ચે રાજ્યમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઈ રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં શાળા-કોલેજ સ્વયંભૂ બંધ રાખવામાં આવી હતી. શહેરના યુનિવર્સિટી રોડ પર તમામ કોલેજો પણ બંધ જોવા મળી છે, દરેક કોલેજના બહારના ગેટ પણ બંધ કરવામાં આવી છે, તો કેટલીક કોલેજો અને શાળાઓ ચાલુ હોય તેવા મેસેજ મળતા NSUIના કાર્યકારો કોઈ હંગામો કરે તેવી શક્યતાના પગલે તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા બંધના એલાનના પગલે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધના એલાનના પગલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર નરોડા વિસ્તારમાં મોપેડ પર બેસી બજારો બંધ કરાવવા નીકળ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના કાર્યકરો પણ જોડાયા હત. એક તબ્બકે પોલીસ અને જગદીશ ઠાકોર વચ્ચે રકઝક થઈ હતી. તો બીજી તરફ, ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવી હતી. કોંગ્રેસના જમાલપુર-ખાડીયા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને NSUIના કાર્યકરો બંધ કરાવવા રસ્તા પર ઉતર્યા હતા.

Next Story