/connect-gujarat/media/post_banners/f3814199d3cc5e42ab02ff5268050ecfa3a17e1b1f6cfd6229c7f453ddb183f8.jpg)
અમદાવાદમાં જુના મકાનો સાક્ષાત યમરાજ બની હોનારતોને ઇજન આપી રહયાં છે. દરિયાપુરના લખોટા પોળમાં એક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. ફાયર વિભાગની ટીમોએ કાટમાળ નીચે દબાયેલા ત્રણેય વ્યકતિઓને બહાર કાઢી સારવાર માટે ખસેડયાં હતાં.
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી લખોટાની પોળની બહાર મંગળવારે વહેલી સવારે મકાનનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂ દટાયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢી લેતાં તેમનો જીવ બચી ગયો હતો.
ધરાશાયી થયેલાં મકાનમાં ત્રણ ભાઈનો પરિવાર તેમના પિતા સાથે સ્ટીમ પ્રેસનો વ્યવસાય કરતો હતો. એક ભાઈ ત્યાં જ રહેતો હતો, બાકીના બે ભાઈનો પરિવાર અન્ય જગ્યાએ રહેતો હતો. ઇરફાનભાઈ, રેશ્માબેન અને પીરભાઈ ત્રણેયને ઇજા થતાં હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હોવાનું જાણવા મળી રહયું છે. ધરાશાયી થયેલા મકાનની આસપાસ આવેલાં મકાનો પણ જર્જરીત હાલતમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆત થતાંની સાથે કાચા મકાનો ધરાશાયી થવાના બનાવો બનતાં હોય છે.