અમદાવાદ : વાહનચાલકો તમારી કાર 70 KM અને ટુ-વ્હીલર્સ 60 KMની સ્પીડ પર દોડાવજો, નહીં તો થશે કાર્યવાહી..!

વાહનોના ભારણના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો, અકસ્માતોના કારણે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો

New Update
અમદાવાદ : વાહનચાલકો તમારી કાર 70 KM અને ટુ-વ્હીલર્સ 60 KMની સ્પીડ પર દોડાવજો, નહીં તો થશે કાર્યવાહી..!

રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે, ત્યારે માર્ગ પર વાહનોના ભારણના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો જોતાં પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. હવે શહેરમાં કાર માટે વધુમાં વધુ 70 KM અને ટુ-વ્હીલર્સ માટે 60 KMની સ્પીડ નક્કી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના SG અને SP રિંગ રોડ પર સૌથી વધારે અકસ્માત સર્જાય છે. જેનું મૂળ કારણ વાહનોની વધતી જતી સંખ્યા અને ઓવરસ્પીડ હોવાનું પોલીસ માને છે. જોકે, હવે પોલીસે વાહન ચલાવવા માટે એક સ્પીડ નક્કી કરી દીધી છે. એટલે કે, શહેરમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર વાહનચાલકો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. જેને લઈ શહેર પોલીસ દ્વારા સ્પીડ ગનનો ઉપયોગ કરવામાં આવશે. શહેરમાં અનેક ઓવર બ્રિજ પર બેફામ ગતિએ દોડતા વાહનચાલકો પર લગામ કસવા આ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. હવેથી શહેરમાં કાર માટે વધુમાં વધુ 70 KM અને ટુ-વ્હીલર્સ માટે 60 KMની સ્પીડ નક્કી કરવામાં આવી છે.

દિવસ હોય કે, રાત અમદાવાદના માર્ગ હંમેશા વાહનોની ચહલ-પહલથી ધમધમતા રહે છે. અમદાવાદમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. અમદાવાદ ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાના આદેશ અનુસાર, અકસ્માત રોકવા અલગ અલગ બ્રિજ અને મુખ્ય રસ્તા પર સાઇન બોર્ડ લગાડવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત સીસીટીવી કેમેરા પણ ડિપ્લોય કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ હવે અમદાવાદમાં વાહનોની ગતિ પર મર્યાદા લગાવવા ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે.

Latest Stories