અમદાવાદ : મંદિરોમાં ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાય

મંદિરોમાં જ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાય, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવામાં કરી છે ચોરી.

New Update
અમદાવાદ : મંદિરોમાં ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાય

મંદિરમાં ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી લીધી છે, ત્યારે પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવાના વિવિધ મંદિરોમાં ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની કસ્ટડીમાં ઉભેલા આરોપીઓના નામ સુરેશ સોની, ધર્મેન્દ્ર ઉર્ફે ધમા રાવ અને જગદીશ કુમાવત છે. આરોપી સુરેશ સોની અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહે છે, જ્યારે ધર્મેન્દ્ર રાવ અને જગદીશ કુમાવત રાજસ્થાનના સિરોહી જિલ્લામાં રહે છે. આ ત્રણેય આરોપીઓ i20 કાર લઇને ગુન્હાને અંજામ આપવા માટે જતા હતા. જોકે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે i20 કાર કાર સાથે જ ત્રણેયને ઝડપી પાડ્યા છે.

આરોપીઓની મોડ્સઓપરેન્ડીની વાત કરીએ તો, ત્રણેય આરોપીઓ પહેલા મંદિરમાં દર્શન કરવા માટે જતા અને એ જ બહાને મંદિરની રેકી પણ કરી લેતા હતા. જે મંદિર અને તેની આસપાસ CCTV કેમેરા ન હોય તેવા મંદિરને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓના ગુનાહિત ઇતિહાસની જો વાત કરીએ તો, આ ત્રણેય આરોપીઓએ રાજસ્થાનના સમેરપુર વિસ્તારમાં મંદિરના પૂજારીની હત્યા કરી ભાગી ગયા હતા. ત્યારબાદ રાજસ્થાન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં પણ ઝડપાયા હોવાનું બહાર આવ્યું છે.

જોકે, હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને નોર્થ ગોવાના વિવિધ મંદિરોમાં કરેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ સાથે જ આરોપીઓએ ચોરી કરેલો મુદ્દામાલ ક્યાં અને કોને વેચ્યો છે, તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે, ત્યારે પોલીસનો દાવો છે કે, ભારતના અન્ય રાજ્યોમાં પણ આ ચોર ટોળકીએ ચોરી કરી હોવાના વધુ ખુલાસા બહાર આવી શકે છે.

Latest Stories