Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગીતા મંદિર ખાતે લાગ્યા મમતા બેનર્જીના પોસ્ટર, રાજકારણમાં ગરમાવો

AAP બાદ હવે TMC ગુજરાતમાં સક્રિય બનશે, 21મી જુલાઇએ TMC મનાવે છે શહીદ દિવસ.

X

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી છે તો હવે અમદાવાદમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પોસ્ટર્સ લાગતાં રાજકારણમાં ભરચોમાસે ગરમાવો જોવા મળી રહયો છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા અનેક રાજકીય પાર્ટીઓનું આગમન જોવા મળી રહ્યું છે. ગુજરાતના રાજકારણમાં વધુ એક પાર્ટી પોતાની હાજરી મજબુત કરવા જઇ રહી છે અને આ પાર્ટી છે મમતા બેનર્જીની ટીએમસી... તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં થયેલી વિધાનસભાની ચુંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ ભવ્ય બહુમત હાંસલ કર્યો હતો. હોમ સ્ટેટમાં મળેલી સફળતા બાદ હવે ટીએમસી ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરવા માંગતી હોય તેમ લાગી રહયું છે.

એમ પણ ગુજરાતએ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું હોમ સ્ટેટ છે અને મમતા બેનર્જી અને આ બંને નેતાઓ વચ્ચે હાલ 36નો આંકડો ચાલી રહયો છે. ટીએમસી દર વર્ષે 21મી જુલાઇના રોજ શહીદ દીન મનાવતી હોય છે પણ આ વર્ષે ગુજરાતમાં મમતા બેનર્જીના બેનર લાગ્યાં છે. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે મમતા બેનર્જીનું પોસ્ટર જોવા મળતાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. જો કે બાદમાં આ બેનર ઉતારી લેવાના આદેશો છુટયાં હતાં.

આ પહેલા ગુજરાતની રાજનીતિમાં અસસુદ્દીન ઓવેશી પાર્ટી AIMIM, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP ગુજરાતના રાજકારણમાં સક્રિય બની છે. એઆઇએમઆઇએમના ગુજરાતમાં રાજકારણ પ્રવેશ બાદ રાજયમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં કોંગ્રેસને ભારે નુકશાન વેઠવું પડયું હતું તેવી જ રીતે આમ આદમી પાર્ટીના કારણે સુરતમાં કોંગ્રેસના ભુંડા હાલ થયાં છે. હવે વધુ એક રાજકીય પાર્ટીની દસ્તક કોંગ્રેસને મરણપથારીએ લઇ જશે તે વાત ચોકકસ છે.

Next Story