જજની બદલીના વિરોધમાં હાઇકોર્ટના વકીલો હડતાળ પર ઉતર્યા
જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઇકોર્ટ ખાતે બદલી સામે વિરોધ
જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી પર ફેરવિચારણા કરવા અંગે રજૂઆત
વકીલોના પ્રતિનિધિ મંડળ દ્વારા CJIને કરવામાં આવી છે રજૂઆત
MLA ચૈતર વસાવાની જામીન અરજી સહિત 5 હજાર કેસને અસર
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની પ્રસ્તાવિત બદલીના વિરોધમાં અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન કોર્ટના કામકાજથી અળગા રહી સતત બીજા દિવસે પણ વિરોધ નોંધાવ્યો હતો. જોકે, વકીલોની હડતાળના પગલે ચૈતર વસાવાની જામીન અરજી સહિત 5 હજાર કેસને અસર પહોચી હતી.
સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે, જે પૈકી 2 જજ ગુજરાત હાઇકોર્ટના પણ છે. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને જસ્ટિસ રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની આખરે મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં બદલી કરવાનો નિર્ણયના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા “વકીલ એકતા જિંદાબાદ”ના નારા સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વકીલોના વિરોધના કારણે હાઈકોર્ટની ન્યાય પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે.
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન સહિત કમિટીના અન્ય સભ્ય દ્વારા જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી પર ફેરવિચારણા માટે રજૂઆત કરાય હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વકીલોની હડતાળના પગલે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી સહિત 5 હજાર કેસને અસર થઈ છે. ચૈતર વસાવાની જામીન અરજી પર સરકારી વકીલ અને ફરિયાદીના વકીલ દલીલો કરવાના હતા. પરંતુ હડતાળના કારણે MLA ચૈતર વસાવાની જામીન અરજી સહિતની સુનાવણીઓ અટકી પડી હતી.