અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમનું પાલન નહીં કરતાં વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે હવે લાલ આંખ કરી છે. વાહન પર લગાવેલી RTO નંબર પ્લેટ સાથે ચેડા કરનાર વાહન ચાલકની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ હવે નિયમોનું પાલન નહીં કરનાર સામે લાલઆંખ કરી રહી છે. કેટલાય વાહન ચાલકો ઇ-મેમો અને પોલીસથી બચવા માટે અવનવા પેતરા અપનાવી રહ્યા છે. જેની સામે ટ્રાફિક પોલીસ સજ્જ બની આવા લોકોને પકડી સમાજમાં દાખલો બેસાડવાની ઝુંબેશ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ ચેકિંગમાં હતી તે દરમ્યાન એક બાઇકચાલક ત્યાંથી પસાર થતો હતો. તેની બાઇકની નંબર પ્લેટનો ખૂણો વાળેલો હતો અને નંબર કે, સિરીઝ ન દેખાય એ માટે છાણ પણ લગાવ્યું હતું.
જેથી પોલીસે તેને પકડી પૂછપરછ કરતા ઇ-મેમોથી બચવા તેણે આ કાંડ કર્યો હોવાનું જણાવતા શાહીબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવી પોલીસે આરોપીની અટકાયત કરી વાહન જપ્ત કર્યું હતું. જોકે, સરકાર તરફથી વાહન ચાલકોને જુદા-જુદા આરટીઓ નંબરની નંબર પ્લેટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક વાહનચાલકો જાણી જોઈને પોતાના વાહનો ઉપર લગાવવામાં આવેલા નંબર પ્લેટ સાથે છેડછાડ કરતા હોય છે.
જેથી વાહનનો નંબર કે, સીરીઝ ન દેખાય તેમ જ આ ખામીયુક્ત નંબર પ્લેટના કારણે ઈ-ચલણ મેમોના દંડની રકમ ભરવી ન પડે તે માટે વાહન ચાલકો શહેરમાં ફરતા હોય છે. જેથી આવા વાહન ચાલકોને શોધી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે.