કિડનીની બીમારી સામે ઝઝૂમતા દર્દીઓ માટે આશાનું કિરણ
IKDRC હોસ્પિટલ દ્વારા 502 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાય
કિડની પ્રત્યારોપણ ક્ષેત્રે હવે રોબોટિક ટેકનોલોજી ક્રાંતિ લાવી
કિડની પ્રત્યારોપણ ક્ષેત્રે આ સંસ્થાએ નેશનલ રેકોર્ડ સર્જ્યો
આધુનિક સારવાર મેળવવી સામાન્ય માણસ માટે હકીકત બની
અમદાવાદની IKDRC હોસ્પિટલ કિડનીની બીમારી સામે ઝઝૂમતા દર્દીઓ માટે આશાનું કિરણ બની છે, કિડની પ્રત્યારોપણ ક્ષેત્રે આ સરકારી સંસ્થાએ નેશનલ રેકોર્ડ સર્જ્યો છે.
કિડનીની બીમારી સામે ઝઝૂમતા પરિવારો માટે અમદાવાદની IKDRC હોસ્પિટલ આશાનું કિરણ બની છે. માત્ર એક વર્ષમાં 502 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી આ સરકારી સંસ્થાએ નેશનલ રેકોર્ડ સર્જ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને અત્યાધુનિક ટેકનોલોજીના સથવારે, અહીં ગરીબમાં ગરીબ દર્દીને પણ વિનામૂલ્યે નવજીવન મળી રહ્યું છે. કિડની પ્રત્યારોપણ ક્ષેત્રે હવે રોબોટિક ટેકનોલોજી ક્રાંતિ લાવી રહી છે.
અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત IKDRC હોસ્પિટલે વર્ષ 2025માં 502 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી દેશની સર્વશ્રેષ્ઠ સરકારી હોસ્પિટલનું બહુમાન મેળવ્યું છે. આ સિદ્ધિમાં 157 કેડેવર (અંગદાન), 90 સ્વેપ અને 49 બાળકોના ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગુજરાત બહારના 170 દર્દીઓએ પણ આ સંસ્થા પર અતૂટ વિશ્વાસ મુકી સફળ સારવાર કરાવી છે. નિષ્ણાત તબીબોની ટીમ અત્યાધુનિક મશીનરી દ્વારા જટિલ ઓપરેશન્સને સરળ અને સચોટ બનાવી રહી છે, જેના પરિણામે દર્દીઓમાં રિકવરી રેટ નોંધપાત્ર રીતે વધ્યો છે.
સામાજિક જવાબદારીના ભાગરૂપે અહીં 318 ટ્રાન્સપ્લાન્ટ ‘આયુષ્માન ભારત’ યોજના હેઠળ નિઃશુલ્ક કરવામાં આવ્યા છે. કિડની ઉપરાંત 86 લિવર ટ્રાન્સપ્લાન્ટની સફળતા સાથે આ સંસ્થા દેશ માટે ઉત્તમ ઉદાહરણ બની છે. ડો. પ્રાંજલ મોદીના માર્ગદર્શન હેઠળ અહીં 43 રોબોટિક ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક સંપન્ન થયા છે, ત્યારે આર્થિક મર્યાદાઓ વચ્ચે પણ અહી શ્રેષ્ઠ અને આધુનિક સારવાર મેળવવી હવે સામાન્ય માણસ માટે હકીકત બની છે.