Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ ઘાટલોડીયા બેઠક પરથી ભર્યું નામાંકન...

અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર આખા રાજ્ય અને દેશની નજર છે, ત્યારે અહીથી ભાજપે સીએમ ભૂપેન્દ્ર પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

X

રાજ્યમાં ચૂંટણી પૂર્વે તમામ પક્ષના નેતાઓ પોતાનું નામાંકન ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેસરીયા મહારેલી યોજી ઘાટલોડીયા બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો આગામી સમયમાં રાજ્યના મુખ્યમંત્રી પદ ઉપર ભૂપેન્દ્ર પટેલ જ રહેશે તેવું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું.

અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર આખા રાજ્ય અને દેશની નજર છે, ત્યારે અહીથી ભાજપે સીએમ ભૂપેન્દ્ર પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. આ બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ વધારે છે, ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેસરીયા મહારેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો હાજર રહ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને માલધારી સમાજે લાલ રંગની પાઘડી પહેરાવી હતી. આ સાથે જ સોલા ખાતે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયને અમિત શાહે ખુલ્લુ મૂક્યું હતું.

તો બીજી તરફ, ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ફોર્મ ભરતા પહેલા સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, PM નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વિકાસના કાર્યો કર્યા છે, અને તેમાં પ્રજાજનનો સાથ પણ મળ્યો છે. જેના કારણે દરેકના મનમાં એવું થાય છે કે, આ ગુજરાત મેં બનાવ્યું છે. નાનામાં નાના માણસનું કામ કરવા આજે ભાજપે રાજ્યમાં સૌથી મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું. તો પ્રદેશ આગેવાન પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સીએમ ભુપેન્દ્ર પટેલની રેકર્ડ બ્રેક જીત થશે અને સમગ્ર રાજ્યમાં ભાજપનો ઐતિહાસિક વિજય થશે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યના મુખ્યમંત્રી પદ ઉપર ભૂપેન્દ્ર પટેલ જ રહેશે તેવું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાફ કહી દીધું છે.

Next Story