અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કોન્સટેબલોને જેસીપી ગૌતમ પરમારે સસ્પેન્ડ કરી દીધાં છે. કાગઠાપીઠ અને નિકોલ સહિતના પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓની ફરિયાદ લેવામાં અખાડા થતાં હોવાની ફરિયાદો મળતાં ગૌતમ પરમારે પોલીસ સ્ટેશનોની સરપ્રાઇઝ વિઝીટ કરી હતી.
સામાન્ય માણસોને તો પોલીસ કર્મચારીઓના તોછડા વર્તનનો અનુભવ થતો જ હોય છે પણ અમદાવાદના જેસીપી ગૌતમ પરમાર ખુદ પોલીસ કોન્સટેબલોની તુમાખીનો ભોગ બન્યાં છે. ભરૂચના એસપી રહી ચુકેલાં ગૌતમ પરમાર હાલમાં અમદાવાદ ખાતે ફરજ બજાવી રહયાં છે. તેઓ અમદાવાદમાં સેકટર - 2ના જોઇન્ટ પોલીસ કમિશ્નર છે. ગૌતમ પરમારને તેમના તાબા હેઠળ આવતાં પોલીસ સ્ટેશનોમાં ફરિયાદીઓની ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કરવામાં આવતાં હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી.
બસ પછી તો પુછવું જ શું... ગૌતમ પરમાર જાતે ફરિયાદી બની એક મહિલા કોન્સટેબલ સાથે કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોંચી ગયાં. પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કોન્સટેબલને મહિલાનું સ્કુટર ચોરાય ગયું હોવાની ફરિયાદ નોંધાવવાની હોવાનું કહયું હતું. પણ ફરિયાદ નોંધવાના બદલે પોલીસ કર્મચારીઓ જેસીપી ગૌતમ પરમારને કાયદા શીખવાડવા લાગ્યાં... ગૌતમ પરમારે એસીપી મિલાપ પટેલને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી જવાબદાર કોન્સટેબલોને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલાં ફરિયાદી જેસીપી હોવાની જાણ થતાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સ્ટાફના પરસેવા છુટી ગયાં હતાં. અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પણ તેમની ફરિયાદ લેવાની ના પાડનારા કોન્સટેબલો સસ્પેન્ડ થયાં છે. જયારે દાણીલીમડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જેસીપી ગૌતમ પરમારને ઓળખી ગયો હતો.. ગૌતમ પરમારની કર્તવ્યનિષ્ઠા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે ત્યારે કનેકટ ગુજરાતે ગૌતમ પરમાર સાથે ખાસ વાતચીત કરી હતી.