સામન્ય માણસ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય, ત્યારે પોલીસ લોકો સાથે કેવો વ્યવહાર કરે છે તે જાણવા માટે અમદાવાદ સેક્ટર-2 ના જોઇન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર એક મહિલા કોન્સ્ટેબલ સાથે ખાનગી કપડામાં ફરિયાદી બની વાહન ચોરીની ફરિયાદ નોંધાવવા ગયા હતા, ત્યારે કાગડાપીઠ પોલીસ મથકના સ્ટાફે પહેલા તો ફરિયાદ નોંધવા માટે ઇન્કાર કર્યો હતો. અને ત્યાર બાદ જે થયું તે નિહાળો અમારા વિશેષ અહેવાલમાં
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સામાન્ય માણસ જ્યારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે જાય છે, ત્યારે જે તે ફરિયાદી સાથે પોલીસનું વર્તન કેવું હોય છે તે ચેક કરવા અમદાવાદ સેક્ટર-2ના જોઇન્ટ કમિશનર ગૌતમ પરમાર ખુદ ખાનગી કપડામાં એક મહિલા કોન્સ્ટેબલને જોડે રાખી ફરિયાદ નોંધાવવા માટે કાગડાપીઠ પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યાં તેમની જોડે જે વર્તન થયું તે જોઈને JCP ગૌતમ પરમાર પોતે ચોંકી ગયા હતા. ગૌતમ પરમારની કચેરીમાં ફરજ બજાવતા પ્રદીપ નામના સેવકની બહેનને તેના પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવતી હતી. પ્રદીપ પોતાની બહેનની ફરિયાદ નોંધાવવા માટે તા. 26 ફેબ્રુઆરીથી નિકોલ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો હતો. પરંતુ પોલીસે તેની ફરિયાદ નોંધી ન હતી, ત્યારે અંગત સચિવ દ્વારા ગૌતમ પરમાર સામે આ વિગતો મૂકવામાં આવી અને તેમને અંદાજ આવ્યો કે, સામાન્ય નાગરિકો સાથે પોલીસનો વ્યવહાર અયોગ્ય હોય છે. સાથે જ પોલીસ સાચી ફરિયાદ પણ નથી નોંધતી.
જેથી ગત બુધવારના રોજ ખાનગી વાહનમાં એક મહિલા કોન્સ્ટેબલને સાથે રાખી તેમના તાબાના 3 પોલીસ સ્ટેશનોમાં ગયા હતા, જ્યાં કાગડાપીઠ પોલીસ મથકે તેમણે મહિલા કોન્સ્ટેબલનો પરિચય પોતાના સગા તરીકે આપી તેની સ્કુટી ચોરાઈ ગઈ છે, જેની ડેકીમાં પર્સ અને તેની અંદર રોકડ રકમ, પાસપોર્ટ અને કાર્ડ હોવાનું જણાવ્યું હતું. પહેલા તો પોલીસે ગૌતમ પરમાર અને તેમની સાથે રહેલી મહિલા કોન્સ્ટેબલને ધમકાવવાની શરૂઆત કરી હતી. સાથ જ આજુબાજુમાં તપાસ કરીને આવો અત્યારે ફરિયાદ નહીં નોંધાય તેવું જણાવ્યું હતું. જ્યારે ગૌતમ પરમારે પોલીસને એવું કહ્યું કે, ડેકીમાં પાસપોર્ટ છે માટે ફરિયાદ નોંધાવવી જરૂરી છે, ત્યારે કોન્સ્ટેબલે કહ્યું હતું કે, તમારા પાસપોર્ટમાં જ ગરબડ હશે, એટલે જ તમે ફરિયાદ કરવા આવ્યા છો. મામલો ઉગ્ર બનતા કોન્સ્ટેબલે ગૌતમ પરમારને કહ્યું હતું કે, તમને એરેસ્ટ કરવા પડશે. જોકે, આમ પોલીસે કેવી રીતે વ્યવહાર કર્યો હોવાનો ખ્યાલ આવ્યા પછી ગૌતમ પરમારે તરત જ આસિસ્ટન્ટ કમિશનર મિલાપ પટેલને ત્યાં બોલાવી સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરીને આ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
આવી જ બીજી ઘટના અમરાઈવાડી પોલીસ મથકમાં પણ બની હતી, જ્યાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના પતિનો ત્રાસ હોવાની ફરિયાદ નોંધાવી હોવાનું કહેતા ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ કહ્યું હતું કે, તમે અહીંયા શું કામ ફરિયાદ આપો છો, તમારુ પિયર ભાવનગર છે, તો ભાવનગરમાં ફરિયાદ નોંધાવો, ત્યારે ગૌતમ પરમારે આ પોતાની ભાણી છે તેમ કહી ફરિયાદ નોંધવા માટે વિનંતી કરી હતી. તો પોલીસે કોણ છે, ભલે ને માર માર્યો હોય, તેની કોઇ સારવાર લીધી છે કે, નહીં તેનું પ્રમાણપત્ર માગ્યું હતું. ઉપરાંત પતિ માર મારે છે તેવું નિવેદન આપી શકે તેવા 4 સાક્ષીઓને પણ લઈને આવવાનું કહ્યું હતું. આમ અમરાઇવાડી પોલીસે પણ ફરિયાદ નોંધવાનો ઇનકાર કરતાં JCP ગૌતમ પરમારે DCP અચલ ત્યાગીને ત્યાં બોલાવી આ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
તો વધુ એક આવી જ ઘટના દાણીલીમડા પોલીસ મથકે પણ બનતા બનતા રહી ગઈ હતી, જ્યાં JCP ગૌતમ પરમાર તેમના તાબાના ત્રીજા પોલીસ સ્ટેશન દાણીલીમડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, ત્યાં તેમનો સ્ટાફ તેમને ઓળખી જતા તેઓ પરત ફર્યા હતા, ત્યારે સાચી ફરિયાદ નહીં નોંધનાર અને પ્રજા સાથે દુર્વ્યવહાર કરનાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે અમદાવાદ સેક્ટર-2ના જોઇન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ ક્રાઇમ રેટ ઓછો બતાવવા માટે પોલીસ ફરિયાદ નોંધતી નથી જેવી બાબતો ચલાવી લેવાશે નહીં, તે જોઇન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમારના આ સરાહનીય કાર્ય પરથી સાબિત થાય છે.