વિદેશ જવાની લ્હાયમાં 15 જેટલા લોકો લેભાગુ એજન્ટોની ચુંગાલમાં ફસાય ગયાં હતાં. આ તમામને અમદાવાદ એલસીબીએ દીલ્હીથી હેમખેમ મુકત કરાવ્યાં છે....
ગાંધીનગરના ડીંગુચાના પટેલ પરિવારના ચાર સભ્યો ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કરતી વેળા ઠંડીથી ઠુઠવાયને મોતને ભેટયાં હતાં. આ ઘટના બાદ કબુતરબાજો સામે પોલીસે ગુપ્તરાહે કાર્યવાહી શરૂ કરી દીધી છે. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કેટલાક એજન્ટોએ 15 જેટલા ગુજરાતીઓને બંધક બનાવી રાખ્યાં હોવાની ફરિયાદ મળી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી અમદાવાદ એલસીબીની ટીમે ઓપરેશન કબુતરબાજ શરૂ કર્યું હતું. આખી ઘટના પર નજર નાંખીએ તો વિદેશ જવા નીકળેલું કલોલનું દંપતિ છેલ્લા કેટલાક દિવસોથી લાપત્તા બન્યું હતું. જેની તપાસ માટે અમદાવાદ પોલીસની એક ટીમ દીલ્હી પહોંચી હતી.
તપાસ દરમિયાન દંપતિને દીલ્હીની એક નામચીન ગેંગે તેમને ગોંધી રાખ્યાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કાર્યવાહી કરી 15 જેટલા લોકોને મુકત કરાવ્યાં છે. ગુજરાતમાંથી 15 લોકો 11 મહિનાથી આ ગેંગના સકંજામાં હતા. તેમની મુલાકાત સંતોષ રોય નામના એજન્ટ સાથે થઇ હતી. હાલ તો અમદાવાદ એલસીબીએ એક એજન્ટની પણ ધરપકડ કરી છે. પોલીસે લોકોને વિદેશ જવાની હોડમાં લેભાગુ એજન્ટોની ચુંગાલમાં નહી ફસાવા અપીલ કરી છે.