ચાંદખેડામાં પાણીનો કકળાટ
ત્રણ મહિનાથી સર્જાય પાણીની સમસ્યા
ટેન્કરથી મળી રહ્યું છે પાણી
કોર્પોરેટરો પણ બન્યા મુક પ્રેક્ષક
સ્થાનિકોની રજૂઆતનું પરિણામ શૂન્ય
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણી માટેનો સ્થાનિકો પોકાર કરી રહ્યા છે.અને હાલમાં ટેન્કર દ્વારા મળતા પાણીથી લોકો વચ્ચે કલેશ વધી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.
અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં લો પ્રેશરથી અનિયમિત મળતા પાણીથી છેલ્લા ત્રણ મહિનાથી પાણીની સમસ્યા સર્જાય છે.ચાંદખેડા વિસ્તારમાં પીવાના પાણી માટે ટેન્કર આવી રહ્યા છે, અને લોકોને હવે પીવા અને વાપરવા માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેમજ ખાનગી ટેન્કરોનો સહારો લેવો પડે છે. પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ખૂબ ભારે રોષ ફેલાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના કોર્પોરેટર હોવા છતાં પણ છેલ્લા ત્રણ મહિનાથી નાગરિકોની સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા નથી. ભાજપના કોર્પોરેટર દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ અધિકારીઓએ ધ્યાન આપ્યું ન હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે.
આ અંગે સ્થાનિક મહિલાએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, 'પીવાના પાણીની ખૂબ સમસ્યા છે. સવારના સમયે છોકરાઓને સ્કૂલે જવાનું હોય ત્યારે પાણી ભરવા માટે આવવું પડે છે. ટેન્કર આવે છે તેમાં પણ લોકો લડતા હોય છે, ત્યારે બીજાના ત્યાંથી પાણી ભરીને લાવવું પડે છે. પાણી બે-ત્રણ દિવસ સુધી આવતું નથી અને બીજાના ઘરે કપડા ધોવા માટે જવું પડે છે. જ્યારે અન્ય મહિલાએ પણ જણાવ્યું હતું કે, કોઈ જોવા માટે આવતું નથી, અહીંયા છેલ્લા કેટલાય સમયથી પાણી નથી આવતું જેના કારણે અમે ખૂબ જ હેરાન થઈએ છીએ. સગાવહાલાના ઘરે ન્હાવા માટે જવું પડે છે, છેલ્લા ત્રણ મહિનાથી પાણીની ખૂબ સમસ્યા છે.