અમદાવાદ રામોલ-હાથીજણ વોર્ડના ચંદન ટેનામેન્ટમાં ગટરનું ગંદુ પાણી ફરી વળતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે વોટ લેવાનો હોય ત્યારે જ કોર્પોરેટરો આવે છે, જ્યારે લોકોને પડતી હાલાકીનું કોઈ નિરાકરણ લાવતા નથી. જેથી સ્થાનિકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડે છે.
અમદાવાદના જશોદાનગર-વટવા GIDC રોડ પર ઓવરબ્રિજના છેડે આવેલ રામોલ-હાથીજણ વોર્ડ વિસ્તારના ચંદન ટેનામેન્ટના 94 જેટલા બંગલાઓમાં ગટરનું ગંદુ અને મળમૂત્રવાળું પાણી ફરી વળ્યું છે. જેના કારણે છેલ્લા કેટલાય મહિનાઓથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, ગંદા પાણીના કારણે બહુ જ ખરાબ દુર્ગંધ આવે છે. ઝાડા અને ઉલ્ટી જેવા રોગો થતાં લોકો બીમાર પડી રહ્યા છે, ત્યારે આ મામલે રહીશોએ સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી હતી. જે બાદ માત્ર જેટરીંગ વાન મુકી થોડી ક્ષણોની રાહત આપી તેઓ પણ જતા રહ્યા હતા. જોકે, વારંવાર રજૂઆત છતાં પણ કોઈ ઉકેલ નહીં આવતા સ્થાનિકોમાં AMCના અધિકારીઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.