અમદાવાદ શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં અસામાજિક તત્વોએ ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ફોટાને ખંડિત કરી સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે આ મામલે પોલીસે તાત્કાલિક અસરથી તપાસ આદરી 4 લોકોની ધરપકડ કરી છે.
આજે પરશુરામ જયંતિની સાથે સાથે રમઝાન ઈદ એમ બન્ને પર્વ એક જ દિવસે છે, ત્યારે અમદાવાદ શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં અસામાજિક તત્વોએ દ્વારા ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ફોટાને ખંડિત કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અસામાજિક તત્વોએ ફોટો અને તકતીને રોડ પર મુકી દીધાં હતાં. ભગવાનના ફોટાને ખંડિત કરીને સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે વાસણા પોલીસ મથકે અસમાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તો બીજી તરફ આજે રમજાન ઈદ હોવાથી લોકોમાં કોઈપણ પ્રકારની ગેરસમજ ન ફેલાય તે માટે તાત્કાલિક અસરથી પોલીસે તપાસ આદરી 4 લોકોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યુ અનુસાર, જે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેઓને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરી છે. પોલીસના દાવા મુજબ આજે તહેવાર હોવાથી આ અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવા માટે આ કૃત્ય કર્યું હોવાનું અનુમાન છે, ત્યારે હાલ તો પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.