રાજ્યમાં લાંચિયા સરકારી બાબુઓ વિરુદ્ધ એસીબી સપાટો બોલાવી રહી છે, ત્યારે ગુજરાત એસીબીએ અમદાવાદમાં જીએસટીના નાયબ કમિશનર વતી રૂ. 2.37 લાખની લાંચ લેતા વચેટિયાને રંગે હાથ ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે. પરંતુ આ ટ્રેપ બાદ ગાંધીનગર જીએસટીના નાયબ કમિશનર ફરાર થઈ ગયા હોવાથી તેમની પણ ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
રાજ્યમાં લાંચના દૂષણને નાબૂદ કરવા એસીબી કટિબદ્ધ છે, ત્યારે એસીબીને એક ફરિયાદ મળી હતી કે, અમદાવાદમાં રહેતા અને સ્ક્રેપનો વેપાર કરતા વેપારી પાસે જીએસટી ગાંધીનગર અધિકારીઓ દ્વારા તેમની ટ્રક રોકી રૂ. 4.25 લાખની માંગ કરવામાં આવી હતી. જેમાં રૂ. 1.88 લાખ જીએસટી પેટે ઓનલાઇન ભરવાનું કહ્યું હતું, જ્યારે રૂ. 2.37 લાખ રોકડા લાંચ પેટે માંગ્યા હતા। પણ વેપારીએ આ બાબતે એસીબીને જાણ કરતાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જ્યારે નાયબ કમિશનર વતી વચેટિયો લાંચ લેવા સ્થળ પર આવી રોકડ રકમ સ્વીકારતા એસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. આ લાંચમાં ગાંધીનગર જીએસટી સ્કોડ અધિકારી વિપુલ કનોજિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એસીબીના કહેવા મુજબ વચેટિયો નીલેશ છૂટક કામ કરે છે, અને અગાઉ પણ આવી લાંચ બાબતે તેમણે મદદગારી કરી હતી. આ કેસમાં ઓફિસના કોઈ અન્ય અધિકારીની સંડોવણી છે કે, નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. આમ એસીબી દ્વારા જીએસટીના અધિકારી ટ્રેપમાં આવી જતાં સન્નાટો ફેલાઈ ગયો છે.