સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે, ત્યારે વ્યાજખોરોના વિષચક્રમાંથી લોકોને મુક્તિ અપાવવા રાજ્ય સરકાર નાના વેપારીઓને ધિરાણ આપવાની શરૂઆત કરવા જઈ રહી છે. જે અંતર્ગત અમદાવાદ ખાતે 4 હજારથી વધુ ફેરિયાઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ધિરાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્યમાં ફેરિયાઓ અને નાના વેપારીઓને સરકારી યોજના હેઠળ 10 હજાર, 20 હજાર અને 50 હજાર સુધીની લોન અપાવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. જે અંતર્ગત પોલીસ દ્વારા ફેરિયાઓ સુધી પહોંચવા માટે વિવિધ વિસ્તારમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 હજાર કરતા વધુ ફરિયાઓએ લોન માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી 4 હજાર 200થી વધુ ફેરિયાઓની લોન મંજૂર કરવામાં આવી છે. જેના ધિરાણ પત્રોનું અમદાવાદની સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસે વ્યાજખોરો સામે કરેલી ડ્રાઈવમાં 154 વ્યાજખોરો સામે 67 ગુના નોંધી 107 લોકોની ધરપકડ કરી છે. તેમજ 46 લોકોની તપાસ પણ ચાલુ છે. જેટી કહી શકાય કે, રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.