અમદાવાદમાં અસહ્ય ગરમીના કારણે ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવા માટે આગામી તા. 19 એપ્રિલે મ્યુનિ. અધિકારીઓની ટ્રાફિક પોલીસ સાથે મીટિંગ યોજાશે. જેમાં ભર બપોરના સમયે વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવું ન પડે તે માટે બપોરે 1થી 4 વાગ્યા સુધી શહેરના તમામ 252 ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવશે.
અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતા અસહ્ય ગરમીની શરૂઆત થઇ ગઈ છે. જોકે, આગામી દિવસોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાનો અંદાજ છે, ત્યારે અસહ્ય ગરમીમાં વાહનચાલકોને ભર બપોરે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવું ન પડે તે માટે બપોરે 1થી 4 વાગ્યા સુધી તમામ 252 ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવાશે, જ્યારે વધારે ટ્રાફિકવાળા 25થી 30 સિગ્નલની ચેઈનનો સમય 50 ટકા સુધી ઓછો કરી દેવાશે. ટ્રાફિક સિગ્નલનું સંચાલન તેમજ મેન્ટનેન્સ મ્યુનિ.કોર્પો. દ્વારા કરવામાં આવે છે. તો બીજી તરફ, અસહ્ય ગરમીના કારણે ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવા માટે 19 એપ્રિલે મ્યુનિ. અધિકારીઓન ટ્રાફિક પોલીસ સાથે મીટિંગ યોજાશે. જેમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવશે. હાલમાં શહેરમાં 252 ચાર રસ્તા, પાંચ રસ્તા અને સર્કલ છે, કે જ્યાં ટ્રાફિક સિગ્નલ લાગેલા છે. જેમાં પિક અવર્સ પછીના 3 કલાક એટલે કે બપોરે 1થી 4 વાગ્યા સુધી તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાશે. જોકે, 25થી 30 ટ્રાફિક સિગ્નલ એવા છે કે, જ્યાં આખો દિવસ હેવી ટ્રાફિક રહે છે. આવા સિગ્નલ પર ચેઈનનો સમય 50 ટકા સુધી ઘટાડી દેવાશે. જેથી જે સિગ્નલ 1 મીનીટ છે, તેનો સમય 30 સેકન્ડ, જ્યારે 120 સેકન્ડવાળા સિગ્નલનો સમય 60 સેકન્ડ કરવા નિર્ણય લેવાશે.