-
ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ કડક અમલવારી શરૂ
-
હેલ્મેટ વગર સરકારી કચેરીમાં પ્રવેશ પર લાગ્યો પ્રતિબંધ
-
રાજ્યમાં તમામ સરકારી કચેરી બહાર કડક ચેકિંગ કરાયું
-
નિયમોનું પાલન નહીં કરનાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહી
-
પોલીસની કાર્યવાહીના પગલે અન્ય લોકોમાં પણ ફફડાટ
રાજ્યમાં તમામ સરકારી કચેરીઓમાં આવતા લોકોને ટુ-વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે, ત્યારે આજથી અમદાવાદ શહેરની તમામ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ યોજી નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કચેરીઓમાં આવતા લોકોને ટુ-વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. આજે 11મી ફેબ્રુઆરીથી સરકારી કચેરીમાં તમામ કર્મચારી સહિતના અરજદારો માટે દ્રિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરાયા છે, ત્યારે અમદાવાદની તમામ સરકારી કચેરીઓના દરવાજે પોલીસે હેલ્મેટ ડ્રાઇવ યોજી હતી. શહેરની સોલા સિવિલ હોસ્પિટલ તેમજ ગુજરાત હાઇકોર્ટ નજીક હેલ્મેટ ડ્રાઇવ દરમ્યાન વકીલ સહિતના કર્મચારીઓને હેલ્મેટનો મેમો અને દંડ ફટકારવામાં આવ્યો હતો.
એક સપ્તાહ અગાઉ અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેર્યું હોય તેવા 600થી વધુ સરકારી કર્મચારીઓને દંડ ફટકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધતા અકસ્માતોને લઈને હેલ્મેટનો કાયદો કડક કરવામાં આવ્યો છે, ત્યારે DGP વિકાસ સહાયના પરિપત્ર મુજબ સરકારી કચેરીમાં આવતા તમામ સરકારી કર્મચારી તેમજ ટુ-વ્હીલર લઈને આવતા વ્યક્તિઓએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે. કોઈપણ કર્મચારી હેલ્મેટના કાયદાનું ઉલ્લંઘન કરતાં પકડાશે દંડ સહિત કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.