વસ્ત્રાલમાં જાહેરમાં આતંકનો મામલો
પોલીસે 9 આરોપીઓની કરી ધરપકડ
આરોપીઓની પોલીસે જાહેરમાં કરી સરભરા
આરોપીઓના ઘર પર ચાલ્યું સરકારનું બુલડોઝર
કેટલાક આરોપીઓ ગુન્હાહિત ભૂતકાળ પણ ધરાવે છે
અમદાવાદના વસ્ત્રાલમાં શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્વોની રામોલ પોલીસે ધરપકડ કરી હતી. અને જાહેરમાં સરભરા કરી હતી. ત્યારબાદ આ ઘટનાના 24 કલાકમાં સરકારે મોટો નિર્ણય લેતા તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા.
અમદાવાદ વસ્ત્રાલમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા દહેશતનો માહોલ સર્જી દીધો હતો.અને જાહેરમાં લોકો પર હુમલો તેમજ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ આતંકની ઘટનામાં રામોલ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરીને જાહેરમાં સરભરા કરી હતી,જ્યારે 24 કલાકમાં જ સરકારે મોટો નિર્ણય લીધો છે. તમામ આરોપીઓનાં ઘર પર બુલડોઝર ફેરવવાનો આદેશ આપી દીધો છે. પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિત તમામ પોલીસ અધિકારીઓ આરોપીઓનાં ઘરે પહોંચ્યા હતા.
આ ઘટનાના આરોપીઓની ગેરકાયદેસર મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાના આરોપી રાજવીર સિંહ બિહોલાના ઘરે તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચી ગયું હતું. બુલડોઝર ફેરવતા પહેલા ઘરમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો.આ ઉપરાંત ખોખરાના ભગવાનદાસની ચાલીમાં શ્યામ કામલેના મકાન હથોડા વડે મકાન તોડી પાડવામાં આવ્યું છે.જ્યારે અલ્કેશ યાદવના ઘરે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસે ધરપકડ કરેલ આરોપીઓમાં કેટલાક ગુન્હાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.