Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દિવાળીના તહેવારમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસે ઘડ્યો એક્શન પ્લાન

X

દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ સજ્જ બની છે. પોલીસ દ્વારા આ દિવસોમાં સુરક્ષાને ધ્યાનમાં લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરમાં પેટ્રોલિંગ, નાકા પોઇન્ટ ઉપરાંત સીસીટીવી કંટ્રોલ રૂમ દ્વારા પણ ભીડભાડવાળા સ્થળો પર ચાંપતી નજર રાખવામાં આવશે.

અમદાવાદ શહેરમાં સુરક્ષાની વાત કરીએ તો, પોલીસ દ્વારા 200 જેટલા નાકા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. 78 હોક બાઈક, 90 PCR વાન અને 130 જેટલી ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે. સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ સ્થળો પર સવાર-સાંજ વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જે પણ શંકાસ્પદ વાહન ચાલકો જણાય આવે તેમના સરસામાન તેમજ આઇડેન્ટી પ્રૂફ પણ તપાસવામાં આવી રહ્યા છે.

તો પોલીસ રિક્ષા ચાલક તેમજ ટેક્ષી ડ્રાઇવરના પણ સતત સંપર્કમાં છે, જ્યારે વેકેશનમાં કેટલાક લોકો ઘર બંધ કરીને બહારગામ ફરવા માટે અથવા તો વતનમાં જતા હોય છે. તેવા લોકો કેટલા દિવસ માટે બહાર જવાના છે તેની સંપૂર્ણ વિગત જે તે પોલીસ મથકે આપવાની રહેશે. જેથી પોલીસ આવા વિસ્તારો પણ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરી શકે. ઉપરાંત પોલીસ દ્વારા હેલ્પ ડેસ્ક પણ ઉભું કરી હેલ્પલાઇન નંબર પ્રોવાઇડ કરવામાં આવશે, જ્યારે અલગ અલગ સીસીટીવીના આધારે કંટ્રોલ રૂમમાંથી પણ મોનીટરીંગ કરવામાં આવશે. પોલીસ દ્વારા મોલ અને મલ્ટીપ્લેક્સમાં વેક્સિન સર્ટીફીકેટ માટે રેન્ડમ ચેકિંગ કરાશે. જેથી લોકો આવી ભીડવાળી જગ્યાએ જતા હોય તો તે હાર્ડ કોપી કે, મોબાઈલમાં કોપી રાખવી આવશ્યક છે.

Next Story