અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ખોખરા,મણિનગર,સોલા,સરખેજ સહિતના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસકર્મીઓને વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી સુરક્ષા અને સલામતીની પ્રાર્થના કરી હતી.
અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં અર્ચના વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ પોલીસ સ્ટેશન જઈ તમામ પોલીસ જવાનોને રાખડી બાંધીને રાક્ષબંધનનો તહેવાર ઉજવ્યો હતો. પોલીસ કર્મચારીઓ પાસેથી આ વિદ્યાર્થીનીઓએ ભેટમાં શહેર અને પરિવારની સુરક્ષા કવચ માગ્યું હતું. વિદ્યાર્થીનીઓ જણાવ્યું હતું કે આ તમામ પોલીસ જવાનોને કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ પોતાના પરિવાર ,પોતાના બાળકોની ચિંતા કર્યા વિના અમારી રક્ષા કરી છે.
ખોખરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓએ રાખડી બાંધવા આવેલી બહેનોને મિઠાઇઓથી નવાજી હતી. તેમણે તમામ વિદ્યાર્થીનીઓને વચન આપ્યું હતું કે અમે શહેર અને ખોખરા વિસ્તારના તમામ નાગરિકની રક્ષા કરીશું આ ઉપરાંત ખોખરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બની શકે તેટલા પ્રયત્નો કરીશું.
અમદાવાદના સોલ ,સેટેલાઈટ,ચાંદલોડિયા,મણિનગર,ચાંદખેડા જેવા વિવિધ વિસ્તારના પોલીસ જવાનો અને ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ જવાનોને પણ વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી હતી. આવતીકાલે રક્ષાબંધન તહેવાર હોવાથી દરેક નાગરિક પોતાના પરિવાર સાથે શાંતિથી આ તહેવાર ઉજવી શકીએ તે માટે પોલીસ જવાનો પોતાની ફરજ ઉપર હોય છે.