અમદાવાદ : સવારે 4 વાગ્યે મંગળા આરતી સાથે રથયાત્રાનો પ્રારંભ, શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મંગળા આરતી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કરી પહિંદ વિધિ.

New Update
અમદાવાદ : સવારે 4 વાગ્યે મંગળા આરતી સાથે રથયાત્રાનો પ્રારંભ, શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન

કોરોનાની ગાઇડલાઇન મુજબ શ્રધ્ધાળુઓ માટે કરફયુ વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. મળસ્કે ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રભુ પરિવારની મંગળા આરતી કરવામાં આવી હતી.

અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળી હતી. કોરોના સંક્રમણને રોકવા માટે રથયાત્રાના રૂટ પર કરફયુ અમલી બનાવી દેવાયો હતો. તો સાથે જ શ્રધ્ધાળુઓને ઘરમાં જ રહીને રથયાત્રાના દર્શન માટે અપીલ કરાઇ હતી. ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે મળસ્કે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મંગળા આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા સંતો-મહંતો અને મંદિરના ટ્રસ્ટીઓ હાજર રહયા હતા.

ભગવાન જગન્નાથજીની મંગળા આરતી બાદ ત્રણ રથોમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રાના 22 કીમીના રુટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. શ્રધ્ધાળુઓએ પોતાના ઘરોની બારીમાંથી રથયાત્રાના દર્શન કર્યા હતાં. 22 કીમીના રૂટ પર રથયાત્રા ચાર કલાક સુધી ફરી હતી. 11 વાગ્યા સુધીમાં ત્રણેય રથ નિજ મંદિર પરત આવી ગયાં હતાં. લાખો લોકોએ રથયાત્રાનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. રથયાત્રા સંપન્ન થયા બાદ શહેરમાં લાગુ કરવામાં આવેલો કરફયુ હટાવી લેવામાં આવ્યો હતો. રથયાત્રા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થતાં પોલીસ અને વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Latest Stories