અમદાવાદ : ચોમાસામાં રસ્તાઓ બન્યાં ખખડધજ, કોંગ્રેસે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

રસ્તા બનાવવામાં મોટા પાયે થાય છે ખાયકી, સામાન્ય વરસાદમાં જ રસ્તાઓનું થયું છે ધોવાણ.

New Update
અમદાવાદ : ચોમાસામાં રસ્તાઓ બન્યાં ખખડધજ, કોંગ્રેસે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

સ્માર્ટ સીટી અમદાવાદના રસ્તાઓ સાચા અર્થમાં મોંઘેરા બની ગયાં છે. કરોડો રૂપિયાના ખર્ચથી બનેલા રસ્તાઓ ખખડધજ બની જતાં તેના રીપેરીંગ પાછળ ફરીથી કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. બિસ્માર રસ્તાઓ બાબતે કોંગ્રેસે સત્તાધીશો સામે સવાલો ઉઠાવ્યાં છે.

દર વર્ષે ચોમાસામાં રસ્તાઓનું ધોવાણ સામાન્ય બાબત છે. કરોડો રૂપિયાના ખર્ચથી બનેલા રસ્તાઓ સામાન્ય વરસાદમાં જ બિસ્માર બની જતાં હોય છે. બિસ્માર બનેલાં રસ્તાઓના કારણે લોકો ચોમાસા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરતાં હોય છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો વાડજ, રાણીપ, સુભાષબ્રિજ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઇ ગયાં છે. રસ્તાઓના નિર્માણમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું સ્થાનિકો જણાવી રહયાં છે.

અમદાવાદમાં રોડ રસ્તાની આ હાલત જોતા સવાલ થાય છે કે શું જનતા સુવિધાઓની હકદાર નથી, જનતા પાસેથી પુરો ટેક્સ વસુલવામાં આવે છે તો શા માટે કોન્ટ્રાક્ટર સામે પગલા નથી લેવાતા, શું નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલિ ભગત છે, કોઈ વિદેશી મહેમાન માટે ગણતરીના દિવસોમાં જ રસ્તા બની જતા હોય, રંગરોગાન થઈ જતું હોય તો પછી ઈમાનદારીથી ટેક્સ ભરતી જનતાને શા માટે ખાડાઓના કારણે હાલાકી ભોગવવી પડે છે.

રાજયમાં આમ આદમી પાર્ટીની વધી રહેલી ગતિવિધિઓ વચ્ચે કોંગ્રેસ પણ હવે આળસ મરડીને બેઠી થઇ છે. બિસ્માર રસ્તાઓના મામલે હવે કોંગ્રેસ પણ આક્રમક બની છે અને સત્તાધીશો સામે સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં નવા ભળેલા વિસ્તારમાં વિકાસ કામોના નામે વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે અને દર ચોમાસામાં એકલા અમદાવાદમાં સરેરાશ 75 કરતા વધુ ભુવાઓ પડે છે તેવો આક્ષેપ કોંગી નેતા અર્જુન મોઢવાડીયાએ લગાવ્યો છે.

Latest Stories