Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: મુસાફરોના સ્વાંગમાં લૂંટ કરતી ટોળકી ઝડપાય, વાંચો કેવી રીતે ગુનાને આપતા હતા અંજામ

જો તમે હાઇવે પર મુસાફરી કરતા હોવ અને પૈસા મેળવવાની લાલચમાં પોતાની ગાડીમાં અજાણ્યા લોકોને બેસાડતા હોય તો ચેતી જજો!

અમદાવાદ: મુસાફરોના સ્વાંગમાં લૂંટ કરતી ટોળકી ઝડપાય, વાંચો કેવી રીતે ગુનાને આપતા હતા અંજામ
X

જો તમે હાઇવે પર મુસાફરી કરતા હોવ અને પૈસા મેળવવાની લાલચમાં પોતાની ગાડીમાં અજાણ્યા લોકોને બેસાડતા હોય તો ચેતી જજો! કારણ કે આ બાબત તમારા ખિસ્સા ભારી કરવાના બદલે ખાલી કરી શકે છે. અમદાવાદના વેપારી સાથે આવો જ કંઈક બનાવ બન્યો છે. જેમાં મુસાફરના સ્વાંગમાં લુંટારૂ કારમાં બેસીને કાર ચાલક વેપારીનું અપહરણ કરી કાર અને મોબાઈલની લૂંટ ચલાવી છે. જોકે લૂંટારાઓને પોલીસે ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી આરોપીને ઝડપી લીધા છે.

રામોલ પોલીસે રવિ ઝાલા, રણજીત ઝાલા અને બાદરજી ઝાલા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીએ ભેગા મળી મુસાફરીનો સ્વાંગ રચીને વટવાના વેપારીનું અપહરણ કરી લૂંટ ને અંજામ આપ્યો હતો. વટવાના કાપડના વેપારી પોતાની કાર લઈને વડોદરા તરફ જઈ રહ્યા હતા. ત્યારે એક્સપ્રેસ હાઈવે પાસેથી આ ત્રણેય શખ્સો મુસાફરના સ્વાંગમાં આણંદ જવાનું કહીને વેપારીની ગાડીમાં બેઠા હતા અને થોડા આગળ જતાં વેપારીની કારમાં બેઠેલા અન્ય મુસાફરો ઉતરી જતા આ આરોપીએ લૂંટનો પ્લાન ને અંજામ આપ્યો હતો. વેપારીની આંખમાં મરચું નાખીને ચપ્પુની અણીએ વેપારીનું અપહરણ કરી આણંદ, ખેડા, અમદાવાદ જિલ્લા અને બાદમાં પાટણ જિલ્લા બાજુ લઈ જઈ નાવિયાણી ગામ આગળ ઉતારીને કાર અને મોબાઈલની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

આ ઘટના બનતા વેપારીએ રામોલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ-અલગ સીસીટીવી તપાસી આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી હતી. તેવામાં આ ગુનામાં સામેલ આરોપી હાથીજણ થી ઓઢવ તરફ જતો હોવાની બાતમીના આધારે પોલીસે રિંગ રોડ પરથી રવિ ઝાલા ની લૂંટ માં ગયેલી કાર સાથે ઝડપી લીધો હતા. જેને પોલીસ મથક લાવી પૂછપરછ કરતા તેની સાથે અન્ય બે આરોપીઓ ગુનામાં સામેલ હોવાની હકીકત જણાવતા રણજીત ઝાલા અને બાદરજી ઝાલા નામના પિતા પુત્રને પાટણના સુણસર ગામેથી ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી લૂંટ માં ગયેલ કાર અને મોબાઈલ પોલીસે જપ્ત કરી પૂછપરછ શરૂ કરી છે. આ મામલે આરોપી ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા મુખ્ય આરોપી રવિ ઝાલા ઠક્કરનગરમાં રહે છે અને હીરા ઘસવાનું કામ કરે છે. જેને દેવું થઈ ગયું હોવાથી તેણે પોતાની સાથે સ્કૂલમાં ભણતા રણજીત ઝાલા અને તેના પિતા બાદરજી ઝાલાને સાથે રાખીને લૂંટ કરી હતી. પકડાયેલા રવિ અને રણજીત ઝાલા ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને બાદરજી ઝાલા પશુપાલનનો વ્યવસાય કરે છે.

Next Story