ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષ પલટાની ઋતુ આવી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ફરીથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. શુક્રવારે મહેન્દ્ર સિંહ અચાનક જ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને તે બાદ જાહેરાત કરી કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જોકે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે પહેલેથી જ પ્લાન અનુસાર તેઓ પાર્ટીમાં જોડાવવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે મહેન્દ્રસિંહ બાયડથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને વર્ષ 2017માં તેમણે કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડ્યો હતો.
જોકે થોડા સમય પહેલા સુધી શંકરસિંહ બાપુ પોતે કોંગ્રેસમાં પાછા આવી રહ્યા છે તેવી વાતો અવારનવાર મીડિયામાં આવતી હતી અને શંકરસિંહે પણ કહ્યું હતું કે મારી હાઈકમાન્ડ સાથે વાત ચાલી રહી છે, જોકે તેઓ પોતે તો કોંગ્રેસમાં હજુ સુધી પાછા આવ્યા નથી પણ પુત્રને મોકલી દીધા છે. એવામાં મહેન્દ્ર સિંહને કોંગ્રેસ પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવશે તે પણ નક્કી માનવામાં આવી રહ્યું છે.