/connect-gujarat/media/post_banners/670c47728942341d654f7a57251bc6271531c3a6fb72892542b13fc603ae0ea4.jpg)
રાજ્યમાં ચૂંટણી માહોલ બરાબર જામ્યો છે, ત્યારે દરેક ઉમેદવાર હવે પ્રચારમાં વ્યસ્ત થયા છે. અમદાવાદ એલિસબ્રિજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ અલગ અલગ રીતે પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આજે તેઓએ સ્થાનિકો સાથે ચાય પે ચર્ચા કરી હતી. એટલું જ નહીં પણ ચ્હા બનાવી મતદાતાઓને આકર્ષવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
અમદાવાદ એલિસબ્રિજ વિધાનસભા બેઠક વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. અહીથી હરેન પંડ્યા, રાકેશ શાહ જેવા દિગ્ગજો વર્ષોથી ભાજપ માટે જીતીને આવ્યા છે. પણ આ વખતે અહીથી ભાજપે પૂર્વ મેયર અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે આજે ઉમેદવાર અમિત શાહે અહીના સ્થાનિકો સાથે ચાય પે ચર્ચા કરી હતી. આમ પણ કહેવાય છે કે, ગુજરાતીઓની સવાર ચ્હા સાથે થાય છે. પીએમ મોદી પણ અનેક વખત ચાય પે ચર્ચા કરે છે અને તેમનો આ કોન્સેપ્ટ દુનિયાભરમાં પ્રખ્યાત થયો છે, ત્યારે અહીથી ભાજપના ઉમેદવારે પણ ચ્હા બનાવી ચાની ચૂસકી લેતાં લેતા લોકોની સમસ્યા અને આ વિસ્તારના પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી. કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વિકસિત વિસ્તાર છે, અને અહી ભાજપનો દબદબો છે. છતાં હું અહીના સ્થાનિકો સાથે વાતચીત કરવા આવ્યો છુ. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અહીં થયેલા વિકાસ કાર્યોના કારણે અહીથી ભાજપનો વિજય નિશ્ચિત છે. આ ચાય પે ચર્ચામાં ભાજપના પૂર્વ મેયર બીજલ પટેલ, કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.