અમદાવાદ : પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધની આશંકામાં પુત્રએ જ કરી પિતાની હત્યા...

ધોળકા તાલુકાના બેગવા ગામમાં પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધની આશંકામાં પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે,

New Update
અમદાવાદ : પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધની આશંકામાં પુત્રએ જ કરી પિતાની હત્યા...

અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના બેગવા ગામમાં પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધની આશંકામાં પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ જિલ્લાના ધોળકામાં એક વ્યક્તિની હત્યાને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસનો ખુલાસો થયો છે.

જેમાં થોડા દિવસ પહેલા એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું, અને તેની જાણ મૃતકના પત્નીએ પોલીસને કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને પણ સમગ્ર હકીકત એક ફિલ્મની સ્ટોરી જેવી લાગી હતી. જોકે, તપાસમાં આ અકસ્માત નહીં પણ હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતકની પત્ની જસીબેન પગી કોઠ પોલીસ સ્ટેશનમાં પતિ ભરત પગીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મૃત્યુ થયું હોવાની જાણ કરે છે. સમગ્ર મામલે પોલીસ પણ તપાસ કરતા હકીકત કઈક અલગ જ સામે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભરતભાઈ પગીનું મોત અકસ્માતથી નહીં પણ તેઓની હત્યા કરવામાં આવી છે. પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે, ભરતભાઈ અને તેનો પુત્ર મહેન્દ્ર વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.

ગત તા. 22 ફેબ્રુઆરીના દિવસે પણ પિતા પુત્ર વચ્ચે ઝઘડો, બોલાચાલી અને મારામારી થઈ હતી. જેમાં પુત્ર મહેન્દ્રએ પિતા ભરતભાઈને માથાના ભાગે માર મારતા તેનું મોત નિપજ્યું હતું. પિતા પુત્ર વચ્ચેના ઝગડાનું કારણ એવું હતું કે પિતા ભરતભાઈને તેના પુત્રની જ પત્ની એટલે પુત્રવધુ સાથે અનૈતિક સબંધો હતા. પત્ની અને પિતા વચ્ચેના સંબંધોને લઇને પિતા પુત્ર વચ્ચે અનેક વખત ઝધડાઓ થતા હતા, અને ગામમાં પણ લોકો વાતો કરતા હતા. જેના કારણે પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો, અને લાકડાનો ફટકો મારી પિતાની હત્યા નિપજવા હતી. પિતાની હત્યા બાદ પોલીસને શંકા જાય નહીં તે માટે હત્યાને અકસ્માતમાં ખપાવી દીધી હતી. સમગ્ર મામલાની જાણ મૃતક ભરતભાઈની પત્નીને પણ હતી, પરંતુ તેણે પણ પોલીસને ગેરમાર્ગે દોરી હતી. હાલ તો પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories