રાજ્યભરમાં આજરોજ ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ગણેશ ચતુર્થીએ ઠેર-ઠેર વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદ ખાતે ગુલબાઈ ટેકરા જ્યાં બાપ્પાની મૂર્તિ બને છે, ત્યાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.
રાજ્યમાં આજે ઠેર ઠેર બાપ્પા બિરાજમાન થયા છે. અનેક સોસાયટી અને સાર્વજનિક પંડાલમાં વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેવામાં અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં સવારથી શ્રીજી ભક્તો બાપ્પાને લેવા આવી પહોંચ્યા હતા. કોરોના કાળના 2 વર્ષ બાદ સરકારે છૂટછાટ આપતા ભક્તો પણ ખુશ છે, ત્યારે ડીજે અને ઢોલ-નગારાના તાલે ભાવિકો ઝૂમી ઉઠ્યા હતા. અબીલ ગુલાલની છોળો ઉડાડી બાપ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તો જણાવ્યુ હતું કે, આ વર્ષે લોકોને અનેરો ઉત્સાહ છે, અને 10 દિવસ બાપ્પા બિરાજમાન થયા છે. તો બીજી તરફ ગણેશ ચતુર્થીનો દિવસ શુભ હોય જેથી મોટી સંખ્યામાં ભક્તોએ આજના પાવન અવસરે બાપ્પાને બિરાજમાન કર્યા છે. અલગ અલગ આકારમાં બાપ્પાની મૂર્તિ લોકોનું મન મોહી લે છે. જોકે, આ વર્ષે સરકારે છૂટછાટ આપતા ભક્તો અને કારીગરોમાં ખુશી જોવા મળી છે. અમદાવાદમાં માત્ર મોટી મૂર્તિ નહીં, પણ અનેક પરિવારો નાની મૂર્તિ સાથે પણ જોવા મળ્યા હતા.