રાજ્યમાં સરકારી બાબુઓ લાંચ લેવામાંથી બહાર નથી આવતા, ત્યારે રાજ્યના ACB વિભાગે વર્ષ 2021માં સપાટો બોલાવી 173 ટ્રેપ કરી 287 લાંચિયા અધિકારીઓને જેલ ભેગા કરી દીધા છે. જેના કારણે રાજ્યની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાત ACB વિભાગે વર્ષ 2017થી 2021 સુધીમાં સરકારી બાબુઓ દ્વારા લાંચ લેવાના 1207 જેટલા કેસ નોંધ્યા છે. જોકે, વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3 કે, વર્ગ 4ના કર્મચારી હોય તમામ ભ્રષ્ટાચારમાં ડૂબેલા હોય છે. એટલા માટે જ વર્ષ 2020માં 40 ટકા કન્વેક્શન રેટ હતો. તેના કરતાં ચાલુ વર્ષે 43 ટકા વધારો થતાં હાલ 3 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2021 માં કુલ 173 કેસ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રેપના 122 કેસ. ડિકોયના 16 કેસ, ડીએના 11 કેસ જ્યારે અન્ય 24 કેસ કરવામાં આવ્યા હતા. ACB એ 318 કેસમાં ચાર્જશીટ કરી છે તો, 3939 જેટલી અરજીનો નિકાલ કર્યો છે. જે આંકડા આજદિન સુધીના ઇતિહાસમાં સૌથી વધારે ગણવામાં આવી રહ્યા છે. સાથે જ અપ્રમાણસર મિલકતને લઈને પણ ACBએ સખ્ત કાર્યવાહી કરી છે. ACBએ વર્ષ 2021માં 11 કેસ કરીને રૂપિયા 56 કરોડ 61 લાખની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે.
જોકે, ACBએ કરેલી કાર્યવાહીમાં રાજ્યના ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. જો કાર્યવાહી પ્રમાણે નજર કરીએ તો, ગૃહ વિભાગમાં 35 કેસમાં 74 આરોપી ઝડપાયા છે. તો બીજા ક્રમે મહેસુલ વિભાગમાં 23 કેસ થતાં 45 આરોપી ઝડપાયા છે, અને ત્રીજા ક્રમે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણમાં 20 કેસમાં 48 આરોપી જહદપાયા છે. રાજ્ય સરકારે ACBને આધુનિક બનાવવા 90 લાખ રૂપિયા ફાળવ્યા છે.સાથે જ IT વિભાગને લગતા સાધનો ખરીદ કરવા માટે પણ સરકારે 3 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ઉપરાંત ACB દ્વારા 7 કાયદાકીય સલાહકારની નિમણૂંક અને અપ્રમાણસર મિલકતના એનાલિસિસ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેનલની પણ નિમણૂંક કરવામાં આવી છે.