Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ચાની કીટલીના વ્યવસાયમાંથી બહાર નીકળી 2 ભાઈઓએ શરૂ કર્યો ડ્રગ્સનો વેપલો, જુઓ પછી શું થયું..!

બન્ને ભાઈઓ છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ અમદાવાદમાં લાવી ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સ વેચવાનો કારોબાર ચલાવે છે.

X

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં લાખો રૂપિયાની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે 2 ભાઈઓની ધરપકડ કરી છે. જોકે, સૌથી અગત્યની વાત તો એ છે કે, આ બન્ને આરોપીઓ ચાની કીટલી અને રસોઈ વ્યવસાયમાંથી બહાર નીકળી શોર્ટકટથી પૈસા કમાવવા કીમિયો અપનાવ્યો હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદ શહેરમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં જોવા મળતા 2 શખ્સોના નામ છે, ડાહ્યાલાલ પાટીદાર અને મોહનલાલ પાટીદાર. આ બન્ને આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરીના ગુન્હામાં ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, અંધજન મંડળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક કેટલાક લોકો ડ્રગ્સના જથ્થાનો સોદો કરવા ઉભા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે સ્થળ પર દરોડા પાડી 2 ભાઈઓની રૂપિયા 42 લાખની કિંમતના 421.16 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ડાહ્યાલાલ પાટીદાર અને તેનો ભાઈ મોહનલાલ શ્યામલ ચાર રસ્તા પાસે રહે છે.

જોકે, આ બન્ને ભાઈઓ છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ અમદાવાદમાં લાવી ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સ વેચવાનો કારોબાર ચલાવે છે. ડાહ્યાલાલ પાટીદાર અગાઉ શ્યામલ ચાર રસ્તા પાસે ચાની કીટલી ચલાવતો હતો, અને તેનો ભાઈ મોહનલાલ પાટીદાર રસોઈના કામ સાથે સંકળાયેલો હતો. ડાહ્યાલાલ પોતે અફીણનો બંધાણી હોય, જેણે રાજસ્થાની અફીણ લેવાનું શરૂ કર્યું હતું, અને ધીમે ધીમે તે નશાના કારોબારમાં જોડાઈ ગયો હતો.

આ ઉપરાંત બન્ને ભાઈઓ છેલ્લા 6 મહિનામાં આ રીતે 8-10 વખત 400થી ગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાં લાવી ચૂક્યા છે. રાજસ્થાનના પ્રતાપગઢના લખનસિંગ નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ અમદાવાદ લાવી અલગ-અલગ પેડલરોને વેચી લાખો રૂપિયાની કમાણી પણ કરી છે. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ગુન્હામાં સામેલ અન્ય આરોપીઓ સહિત ડ્રગ્સ ખરીદનાર પેડલરોને પણ ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

Next Story