અમદાવાદના કલેકટર સંદિપ સાંગલેએ કોરોનાની સહાય મેળવવા માંગતા અરજદારોની સુવિધા માટે રવિવારે કચેરી ખુલ્લી રાખવા આદેશ કર્યો હતો. કનેકટ ગુજરાતની ટીમે કલેકટર કચેરી ખાતે તપાસ કરતાં કચેરીની બહાર અરજદારોની લાઇન લાગી હતી પણ કચેરી બંધ હતી.....
રાજયમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ રાજય સરકારે ફોર્મ ભરાવવાની કામગીરીને વેગવંતી બનાવી છે. કોરોનાથી મૃત્યુના સરકારી આંકડાની સરખામણીએ વધારે ફોર્મનો ઉપાડ થઇ રહયો છે. ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો માટે મૃતકોના પરિવારજનો દોડધામ કરી રહયાં છે તેવામાં અરજદારોના હિતમાં અમદાવાદના કલેકટર સંદિપ સાગલેએ એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ કલેકટર કચેરીમાં કોરોનાની સહાય સાથે સંલગ્ન તમામ વિભાગોની કચેરી શનિવાર અને રવિવારના રોજ કાર્યરત રાખવા આદેશ આપ્યો હતો. કલેકટર સંદિપ સાગલેના આદેશનું કર્મચારીઓએ કેટલું પાલન કર્યું.. આવો જોઇએ...
કનેકટ ગુજરાતના રીપોર્ટર અમદાવાદ કલેકટર કચેરી ખાતે હાજર હતાં. કલેકટર કચેરીની બહાર અરજદારોની કતાર લાગી હતી. કનેકટ ગુજરાતની ટીમનો અહેવાલ પ્રસારિત થતાંની સાથે તંત્રમાં દોડધામ મચી હતી. એક કર્મચારી તાબડતોડ કલેકટર કચેરી ખાતે આવ્યો હતો અને કચેરી ખોલી હતી. હવે જોઇએ અરજદારો શું કહી રહયાં છે.
અમારી ટીમે કલેકટર કચેરી ખાતે આવેલાં કર્મચારી સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તે આ વિભાગમાં કામ કરતો નથી પણ તેના અધિકારીનો ફોન આવતાં તે કચેરીમાં હાજર થયો છે. અરજદારોને હાલાકી ન પડે તે માટે આ કર્મચારીએ કામગીરી શરૂ કરી દીધી હતી જેનાથી અરજદારોને થોડી રાહત થઇ હતી.