સોશિયલ મિડીયામાં છવાઇ જવા માટે આજની યુવા પેઢી કઇ પણ કરી છુટવા તૈયાર છે ત્યારે રીલ્સ બનાવવા જતાં એક સગીરે પોતાનો જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ટીકટોક બંધ થઇ ગયાં બાદ હવે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ રિલ્સનો ખૂબ જ ક્રેઝ ચાલી રહ્યો છે. અમદાવાદમાં રહેતા 15 વર્ષના સગીરે રેલવે ટ્રેક પર જઈ રિલ્સ બનાવવા જતાં પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં ઘનશ્યામવાડી સામે આવેલી પદ્માવતી સોસાયટી વિભાગ 2માં રહેતાં 15 વર્ષીય પ્રેમ જયકુમાર પંચાલને રિલ્સ બનાવવાનો શોખ હોવાથી અલગ અલગ જગ્યાએ રિલ્સ બનાવતો હતો. સોમવારે સાંજે પ્રેમ તેના મિત્ર સાથે ઘરેથી રિલ્સ બનાવવા માટે નીકળ્યો હતો. સાબરમતી સેન્ટ્રલ જેલની સામે આવેલા રેલવે-ટ્રેક પર બંને મિત્રો ગયા હતા.પ્રેમ ત્યાં પાટા પરથી માલગાડીના વેગન પર ચઢી વીડિયો બનાવવા ગયો ત્યારે તેને વાયરનો કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં જ નીચે પટકાયો હતો અને ત્યાં જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. મૃતક પ્રેમ તેના પરિવારનો એકનો એક દીકરો હોવાથી તેના માતા-પિતાના માથે આભ તુટી પડયું છે.
અમદાવાદ: સોશિયલ મિડીયામાં LIKE મેળવવાની લ્હાયમાં સગીરે LIFE ગુમાવી
સોશિયલ મિડીયામાં છવાઇ જવા માટે આજની યુવા પેઢી કઇ પણ કરી છુટવા તૈયાર છે
New Update