શહેરમાંથી ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો
15 લાખની કિંમતના વિદેશી પોપટની થઈ હતી ચોરી
વિદેશી પોપટની ચોરી મામલે એક શખ્સની ધરપકડ
ફરાર 2 ઈસમોની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા
તસ્કરોએ છેલ્લા 15 દિવસથી કરી હતી રેકી : પોલીસ
અમદાવાદ શહેરમાંથી રૂ. 15 લાખની કિંમતના વિદેશી પોપટની ચોરી મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે ફરાર 2 ઈસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
સામાન્ય રીતે પૈસા, ચીજ-વસ્તુ કે દાગીનાની ચોરી થયાના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાંથી ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત તા. 8 જુલાઇના રોજ પાલતુ પશુ-પક્ષીની દુકાનના તાળા તોડીને રૂ. 15 લાખની કિંમતના 11 વિદેશી પોપટ અને અન્ય વસ્તુઓની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાય હતી. આ પક્ષીઓમાં એક-એક પક્ષીની કિંમત રૂ. 1.50 લાખથી લઈને 3.20 લાખ જેટલી થાય છે.
જેમાં ઓસ્ટ્રેલિયન પોપટ, મકાઉ પોપટ, આફ્રિકન ગ્રે પોપટ, એટલેટસ પોપટ, બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ પોપટ, મોલુટન કાકાટીલ, ટુ પોપટ સહિતના પોપટની ચોરી થઈ હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે અમદાવાદ ગ્રામ્યLCB પોલીસ દ્વારા એક તસ્કરની અટકાયત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી છેલ્લા 15 દિવસથી ચોરી કરવાની જગ્યા પર રેકી કરતો હતો. દુકાનમાંCCTV હોવાથી કેમેરાની સ્વીચ બંધ કરી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ચોરી કર્યા બાદ કારમાં પોપટને ચોક્કસ જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ 2 દિવસે પોપટને બહાર કાઢ્યા હતા. ચોરીના ગુન્હામાં 3 આરોપી હતા. જેમાંથી આરોપી વિશાલની ધરપકડ કરવામાં આવી છે. વિશાલ અગાઉ પણ બકરા ચોરીના કેસમાં પકડાયેલ છે. જોકે, દિવાળી બાદ તેના લગ્ન હોવાથી પૈસાની જરૂર હતી, જેથી ચોરીનો પ્લાન બનાવ્યો હતો, તારે હાલ તો અન્ય 2 ફરાર આરોપીની ધરપકડના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.