અમદાવાદ શહેરના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર વિદ્યાવિહાર શાળામાંથી ધોરણ 9માં અભ્યાસ કરતો માનવ નામનો વિદ્યાર્થી ગઈકાલે ગુમ થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. સતત 24 કલાક વીતી ગયા હોવા છતાં બાળકની કોઈ ભાળ ન મળતા પરિવાર ચિંતામાં મુકાયો છે.
અમદાવાદ શહેરના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર વિદ્યાવિહાર શાળામાંથી ધોરણ 9માં ભણતો માનવ સવારે 9:25 વાગ્યે અચાનક જ સ્કૂલ બહાર જતો રહ્યો હતો. આ અંગે તેના પરિવારને જાણ થતાં જ તેઓ સ્કૂલમાં આવી જાય છે. તેમણે સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો કે, શા માટે હજી સુધી માનવ મળ્યો નથી. તો હવે માનવના ગુમ થવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, માનવ પહેલા બાંકડા પર બેસે છે, અને ત્યારબાદ કોઈ સુરક્ષા ગાર્ડ ન હોય ત્યારે દોડીને બહાર નીકળી જાય છે. તો બીજી તરફ, પરિવારે આરોપ લગાવ્યો છે કે, તેણે કોઈ વિદ્યાર્થીની સ્વાધ્યાયપોથી લીધી હતી, અને તેણે કબૂલાત પણ કરી હતી કે, ભૂલમાં આ સ્વાધ્યાયપોથી મારી પાસે આવી ગઈ છે. માનવે સ્કૂલની ઓફિસમાં કબૂલ કર્યું હતું કે, મારા પાસે ભૂલમાં તે સ્વાધ્યાયપોથી આવી ગઈ છે. વાલી આવે ત્યાં સુધી તેને ઓફિસમાં બેસવાની જગ્યાએ તેને બહાર કાઢી મૂક્યો હતો. જેથી શિક્ષકના આ વર્તનના કારણે તેને માઠુ લાગી જતાં તે સ્કૂલમાંથી જતો રહ્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ, પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે, જેમાં આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.