ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસના રાજીનામા બાદ હવે કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસ રાજીનામું આપી તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.
કોંગ્રેસ દ્વારા દ્વારા ગત મોડી સાંજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવ્યા બાદ નેતા હિમાંશુ વ્યાસે રાજીનામું આપી દીધું છે. તેઓએ AICCના સેક્રેટરી પદેથી પણ રાજીનામું આપ્યું છે. તેઓ કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ થઈને રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે તેઓ આજે કમલમ પહોંચ્યા હતા, જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. આ સાથે જ તેઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. હિમાંશુ વ્યાસને સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે. તેઓને દ્વારા 2 વખત સુરેન્દ્રનગર વઢવાણ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જોકે, બંન્ને વખત તેમને ભાજપના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.