/connect-gujarat/media/post_banners/d4b0bfe43cf7689610041c091d2d0c1a9d7a4d4b2953e1a75c2a38f0f9be7da8.webp)
અમદાવાદમાં ફરી એકવાર લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. આ વખતે અસલાલી-હાથીજણ રોડ પરથી ડ્રગ્સ સાથે 2 આરોપીઓ ઝડપાયા છે. પકડાયેલા શખ્સમાં એક રાજ્ય બહારના શખ્સનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
અમદાવાદ શહેરના અસલાલી વિસ્તારમાંથી 495 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે રખિયાલના આઝમ ખાન પઠાણ અને યુપીના કૈફખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો યુપીના આઝાદ નામના શખ્સ પાસેથી લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ ડ્રગ્સ લઈને તેનું છુટ્ટક વેચાણ કરી રહ્યા હતા. શહેરમાંથી ડ્રગ્સના 500 ગ્રામ જેટલા જથ્થા સાથે 2 આરોપીઓ પકડાયા છે, આ ડ્રગ્સની કિંમત 49 લાખ રૂપિયા થાય છે. આરોપીઓ કઈ રીતે યુપીથી ડ્રગ્સ લાવ્યા હતા, અને કોને સપ્લાય કરવાના હતા, તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસ ડ્રગ્સના દૂષણને ડામવા માટે અનેક પ્રયાસો કરે છે. જેમાં અનેક આરોપીઓને પકડ્યા છે. પરતું ડ્રગ્સ ડીલરો દર વખતે નવા કિમિયા સાથે ડ્રગ્સને ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસ કરતા રહે છે, ત્યારે આ ક્યારે રોકાશે જેથી કરી આજનું યુવાધન જે ડ્રગ્સ જેવા નશાયુકત પદાર્થના રવાડે ચઢ્યું છે, તે બચાવી શકાય.