સિવિયર કોલ્ડવેવની અસરથી ગુજરાત ઠંડીમાં ઠૂઠવાયું, અમદાવાદ-ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું...

ગઈકાલે અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી ઠંડી અને ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું

New Update
સિવિયર કોલ્ડવેવની અસરથી ગુજરાત ઠંડીમાં ઠૂઠવાયું, અમદાવાદ-ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું...

સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે. ગઈકાલે અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી ઠંડી અને ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું, ત્યારે આગામી એક સપ્તાહ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ગત સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.7 ડિગ્રી ગગડીને 23.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 5.5 ડિગ્રી ગગડીને 6.7 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે અમદાવાદમાં 10 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો છે. આવી ઠંડીમાં પણ અમદાવાદવાસીઓ રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક માટે આવી રહ્યા છે. સ્થાનિકો પણ કહી રહ્યા છે કે, છેલ્લા 2-3 દિવસથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.

રાજ્યમાં દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં 16 શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાતા રાજ્યમાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી સપ્તાહ દરમ્યાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે, ત્યારે ગતરોજ રાજ્યમાં ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ગુજરાતમાં વર્ષ 2014 પછી પહેલીવાર એવું બન્યું છે કે, સતત 2 મહિના ઠંડીનું રાજ રહ્યું હોય, ત્યારે હવે 8 વર્ષ બાદ એવું બન્યું છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરીના બન્ને મહિના ગુજરાતના મોટાભાગના શહેરોને ઠંડાગાર કરી રહ્યા છે.

Latest Stories