Connect Gujarat
અમદાવાદ 

ગીર સોમનાથ : કોંગ્રેસના ગઢમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે સભા ગજવી, ઉનાની રુદ્રાક્ષ સિનેમાનું કર્યું ઉદ્ઘાટન...

X

ઉનાની મુલાકાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

રુદ્રાક્ષ સિનેમાનું સી.આર.પાટીલના હસ્તે કરાયું ઉદ્ઘાટન

ઉના વિધાનસભા મત વિસ્તારનું કાર્યકર સંમેલન મળ્યું

ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે પૂર્વ ધારાસભ્યના રુદ્રાક્ષ સિનેમા ગૃહના ઉદ્ઘાટન અને ઉના વિધાનસભાના કાર્યકરોના સંમેલન પ્રસંગે આવેલા સી.આર.પાટીલે સભા ગજવી હતી. સી.આર.પાટીલે આમ આદમી પાર્ટીના કેજરીવાલ તેમજ કોંગ્રેસના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર કટાક્ષ સાથે શાબ્દિક પ્રહારો કર્યા હતા. પાટીલે કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું હતું કે, જૂઠાણા નો સરદાર એક પછી એક ગેરન્ટી આપે છે. કારણ કે, કેજરીવાલ વાયદા આપીને ભૂલી જાય છે. કેજરીવાલની સાથે સાથે કોંગ્રેસના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે, સોનિયા ગાંધીનું રિમોટ તૂટવા આવ્યું છે. ચૂંટણીઓમાં સોનિયા ગાંધી પોતાના કુંવરને આગળ રાખતા હતા, પણ કુંવર જ્યા જાય ત્યાં ઉમેદવાર તો ઠીક કોંગ્રેસ હારી જાય છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરવા નીકળ્યા છે, પણ ગુજરાતને સાઈડલાઇન કર્યું છે. કારણ કે, રાહુલ ગાંધીને ગુજરાત પ્રત્યે પ્રેમ જ નથી તેવું પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યુ હતું.

તો બીજી તરફ, દ્વારકામાં છેલ્લા 3 દિવસથી ગેરકાયદેસર બાંધકામો તોડવાને લઈને પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લોકોને સંબોધતા કહ્યું હતું કે, દ્વારકા કૃષ્ણની નગરી છે, જ્યાં બીજું કોઈ ગેરકાયદેસર બાંધકામ હોવું ન જોઈએ, અને એટલે જ વડાપ્રધાન અને મુખ્ય મંત્રીની સૂચનાથી દ્વારકા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. સાથે જ લોકોએ પણ દ્વારકા પ્રસાશન અને સરકારનો આભાર વ્યક્ત કરવો જોઈએ. સી.આર.પાટીલ આગામી ચૂંટણીની ટિકિટને લઈને જણાવ્યુ હતું કે, PM મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ નક્કી કરશે તે લડશે. તે કોઈપણ હોય. મંચ ઉપર પણ બેઠા હોય શકે કે, અથવા સભાની ભીડમાં. દેશના ભાવિ નેતા જ નક્કી કરશે કે, ટિકિટ કોને આપવી.

Next Story