Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદની સિવિલ હોસ્પિટલનું “પ્રેરણાદાયી” કાર્ય, કરાવ્યુ 100મુ અંગદાન...

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 100મા અંગદાનના સમાચાર મળતા જ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

X

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 100મા અંગદાનના સમાચાર મળતા જ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આરોગ્ય મંત્રીએ મોડી રાત્રે સિવિલ હોસ્પિટલ પહોચી અંગદાતા પરિવારનો ઋણ સ્વીકાર કર્યો હતો.

ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શાસનની સંવેદનાનો પુન: એક વાર પરિચય કરાવ્યો. વાત જાણે એમ બની હતી કે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલતી કામગીરી સંદર્ભે સિવિલ સુપ્રિટેન્ડેન્ટને ફોન કર્યો હતો, ત્યારે વાતચીત દરમિયાન સુપ્રિટેન્ડેન્ટે મંત્રીને જાણકારી આપી હતી કે, સિવિલ હોસ્પિટલમાં આજે 100મુ અંગદાન થશે, ત્યારે આ જાણકારી મળતા જ મંત્રીએ અંગદાનના સેવાકીય કાર્યના નિર્ણયકર્તા પરિવારનો ઋણ સ્વીકાર કરવા સિવિલ હોસ્પિટલ જવાનું નક્કી કર્યું. આરોગ્ય મંત્રી ગત મોડી રાત્રે સિવિલ હોસ્પિટલ પહોચી 26 વર્ષીય બ્રેઈનડેડ યુવકના અંગદાન પૂર્વેની પ્રાર્થનામાં સહભાગી થયા હતા. આરોગ્ય મંત્રીએ અંગદાતા પરિવારજનોની સેવાભાવના બિરદાવતા કહ્યું કે, અંગદાન થકી માણસ મૃત્યુ બાદ અન્ય વ્યક્તિને નવું જીવન આપે છે. તેમણે ઉમેર્યું અંગદાન નિર્ણયકર્તા મહાન આત્માઓ ભારતીય સંસ્કૃતિના “સેવા પરમો ધર્મ”ના મંત્રને ચરિતાર્થ કરે છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ 100મા અંગદાનની વિગતો જોઈએ તો, અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય નિલેશ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા પહોંચતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 24 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા બ્રેઇન ડેડ યુવકના પિતા અને પરિવારજનોને અંગદાનની સમજ આપવામાં આવી હતી, ત્યારે તેમના પિતા મહેન્દ્ર ઝાલાએ દીકરાના અંગદાનનો નિર્ણય કર્યો હતો. અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે 2 કિડની, ફેફસાં, લીવર, હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી છે.

Next Story