સુરતના ભેજાબાજે અમદાવાદના રહીશને ડ્રાયફ્રુટ્સના વેપારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં વધુ નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. જેમાં રૂપિયા 1 કરોડ 75 લાખ 84 હજારનું રોકાણ કરાવીને મૂડી કે, વળતર પણ ચૂકવ્યું નહોતું.
મળતી માહિતી અનુસાર, સુરતના દીપેશ મકવાણાને તેઓના આણંદ ખાતેના મકાનના વેચાણ દરમિયાન અમદાવાદના ભાવેશ દરજી સાથે મુલાકાત થઇ હતી, અને પોતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતું, અને વિશ્વાસ કેળવી પોતાના એમ.ડી. એન્ટરપ્રાઈઝ નામની ડ્રાયફ્રુટના ધંધાની પ્રોપરાઈટર ફર્મ કે, જેનું ગોડાઉન કઠવાડા જી.આઈ.ડી.સી. ખાતે અને સમગ્ર કામકાજ માટેની ઓફિસ નવરંગપુરા ખાતે હોવાનુ જણાવી ભાવેશ દરજીને વિશ્વાસમાં લીધા હતા, અને ડ્રાયફ્રુટ્સના ધંધામાં ટૂંકાગાળામાં વધુ વળતર મળશે તેમ કહીને રોકાણ કરવા માટે જણાવ્યું હતું. ભાવેશ દરજીએ દીપેશ મકવાણાની વાતનો વિશ્વાસ કરીને રૂપિયા 1 કરોડ 75 લાખ 84 હજારનું રોકાણ કર્યું હતું.
આ રોકાણ બાદ તેની સમય મર્યાદા થઇ ગઈ હોવા છતાં ભાવેશ દરજીને કોઈજ મૂડી કે, યોગ્ય વળતર મળ્યું નહોતું. તેથી તેમણે દીપેશ મકવાણા નો સંપર્ક કરવામાં આવતા કોઈ જવાબ મળતો નહોતો. અને તેઓએ પોતાનું ઘર બંધ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી ભાવેશ દરજીએ આ અંગે સુરત આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેઓની ફરિયાદને આધારે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી દીપેશ મકવાણાના સાસુ હંસા મિસ્ત્રી અને સાળા પાર્થ મિસ્ત્રીની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી દિપેશની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.