ભરૂચ : જિલ્લામાં કલમ 144 લાગુ, મેડીકલ અને પ્રોવિઝન સ્ટોર્સ ખુલ્લા રહેશે

Update: 2020-03-21 09:45 GMT

ભરૂચ શહેર તથા જિલ્લામાં રવિવારના રોજ જનતા કરફયુ દરમિયાન મેડીકલ અને પ્રોવિઝન સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવશે. બીજી તરફ સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે રવિવારના રોજ સવારના 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી લોકોને ઘરોમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી હોવાથી ચારથી વધારે લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. આ ઉપરાંત સભા, સરઘસ સહિત જયાં વધારે લોકો ભેગા થતાં હોય તેવા તમામ કાર્યક્રમો પર રોક લગાવી દેવાય છે. ભરૂચ કલેકટર ડૉ. એમ.ડી. મોડીયાએ જણાવ્યું હતું કે, જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહે તે માટે મેડીકલ અને અનાજ કરિયાણાની દુકાનોને ખુલ્લી રાખવામાં આવશે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસની સ્થિતિનો ચિતાર આપતાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં 191 જેટલા મુસાફરો વિદેશથી આવ્યાં છે જેમાંથી 132 લોકોનું પરીક્ષણ કરાયું છે અને ચાર લોકોને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યાં છે. જિલ્લામાંથી કોરોનાનો એક પણ દર્દી મળી આવ્યો નથી.

Similar News