અમદાવાદ : યુવકે યુવતીના નામે “ઇન્સ્ટાગ્રામ” પર બનાવ્યું ફેક એકાઉન્ટ, કારણ જાણી આપ પણ ચોંકી ઊઠશો..!

Update: 2020-10-19 11:12 GMT

રાજ્યમાં સાયબર ક્રાઇમને લગતા અજીબ કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાયો છે. જેમાં એક યુવતીએ ફરિયાદ આપી હતી કે, તેના નામે ફોટો મોર્ફ કરીને અજાણ્યા શખ્સે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. જેથી સાયબર ક્રાઇમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીની ધરપકડ કરી હતી.

અમદાવાદમાં રહેતી એક યુવતીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે, મારા ફોટા મોર્ફ કરી ઇન્સ્ટાગ્રામ પર એક ફેક એકાઉન્ટ બનાવી બદનામ કરવામાં આવી રહી છે, ત્યારે યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે આરોપીએ ઝડપાઈ ગયા બાદ ચોંકાવનારી કબુલાત કરી હતી. ઘણી વાર એક તરફી પ્રેમમાં પાગલ યુવકો આવું કારસ્તાન કરતા હોય છે. પરંતુ અહીંયા યુવકે આપેલું કારણ તમામ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે લાલબત્તી સમાન છે. જોકે, કોઈ વ્યક્તિ મજાક-મસ્તી ખાતર પણ આવું કરતા હોય તો તેમને જેલના સળિયા પાછળ જવાનો વારો આવી શકે છે.

સમગ્ર મામલે ઝડપાયેલા યુવકે કબૂલાત કરી હતી કે, તેના નામના એકાઉન્ટમાં કોઈ વાત ન કરતું હોવાથી તેણે યુવતીના નામે એકાઉન્ટ બનાવ્યું હતું. યુવતીના નામે એકાઉન્ટ બનાવી લોકો સાથે વાતચીત થઈ શકે તે માટે બનાવ્યું હતું. શહેરના ગુલાબ ટાવર રોડ પર રહેતી 22 વર્ષીય યુવતી પોતાના નામે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવે છે. ગત મેં માસમાં તે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોતી હતી, ત્યારે તેના જ ફોટો ધરાવતા અને તેના જ નામના એકાઉન્ટ પરથી તેને રિકવેસ્ટ આવી હતી. આ એકાઉન્ટ ધારકે બીભત્સ ફોટા પણ અપલોડ કર્યા હતા. જેથી યુવતીએ તપાસ કરતા તેના નામનું ફેક આઈડી બન્યું હોવાનું માલૂમ પડ્યું હતું. તેને આઈડી ધારકને આ એકાઉન્ટ બંધ કરવા પણ કહ્યું હતું. જોકે તે શખ્સે કોઈ જવાબ આપ્યો ન હતો. આખરે યુવતીએ આ મામલે પોલીસ મથકે અરજી આપતા પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં ધ્વનિલ પટેલ નામના વ્યક્તિએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ તો અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ધ્વનિલ પટેલની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News