અમદાવાદ : મનપાની ચૂંટણી બાદ હવે કોરોનાના કેસમાં વધારો, ત્રણ વિસ્તારો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર

Update: 2021-02-25 10:31 GMT

રાજયમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પ્રચાર અને પરિણામ દરમિયાન કાર્યકરોએ સોશિયલ ડીસ્ટન્સ જાળવ્યું ન હતું તેમજ માસ્ક પણ પહેર્યું ન હતું. રાજકીય પાર્ટીઓના કાર્યકરોની બેદરકારીના કારણે હવે સામાન્ય લોકો કોરોનાથી સંક્રમિત થઇ ગયાં છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પત્યા બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં શહેરમાં ગઈકાલે 5 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે જયારે નવા 3 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. નવા ત્રણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બોડકદેવ, ગોતા અને નિકોલમાં આવેલાં છે. આ વિસ્તારના152 ઘર માઈક્રો કેન્ટેનમેન્ટ ઝોનમાં આવી ગયાં છે. એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ બનેલા અમદાવાદમાં સંક્રમણ ફરી વધવા લાગ્યું છે અને 29 દિવસ બાદ ફરી 80થી વધુ નવા કેસ નોંધાયા છે.

આ પહેલા 26 જાન્યુઆરીના રોજ 89 કેસ નોંધાયા હતાં જયારે છેલ્લા 24 કલાકમાં 84 નવા કેસ નોંધાયાં છે અને 66 દર્દી સાજા થયા છે. જ્યારે એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,309 પર પહોંચ્યો છે. જાહેર થયેલા નવા માઈક્રોન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે . સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે. ચૂંટણી બાદ શહેરમાં ફરીથી શરુ કરવામાં આવેલાં ટેસ્ટિંગ ડોમ ખાતે પણ લોકો તેમના ટેસ્ટ કરાવવા માટે આવી રહયાં છે.

Tags:    

Similar News