અમદાવાદ : ફાફડા જલેબીને પણ કોરોનાનું ગ્રહણ, દશેરા નિમિત્તે વેચાણ 50 ટકા ઘટશે!

Update: 2020-10-21 08:07 GMT

નવ દિવસની નવરાત્રિની ઉજવણી બાદ દશેરાના દિવસે ગુજરાતીઓમાં ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. દશેરા નિમિત્તે ફાફડા, ચોળાફળી અને જલેબીની ખરીદી માટે રાજ્યભરમાં લોકો ફરસાણ દુકાનની બહાર કતારો લગાવતા હોય છે. ત્યારે આગામી દશેરા નિમિત્તે જો આપ જલેબી ફાફડા ખાવા જવાનું મન બનાવી રહ્યા છો તો આ નિયમો જાણી લેજો. પ્રશાસન દ્વારા કોરોનાની સ્થિતિને લઈને કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

કોરોનાકાળમાં તહેવારોની ઉજવણીની રીત બદલાઈ છે. કોરોનાનું ગ્રહણ નવરાત્રિને પણ નડયું છે. ગરબાની પરંપરા તૂટી છે ત્યારે હવે દશેરામાં જલેબી ફાફડાના સ્વાદની માણવાની પરંપરામાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કોરોનાથી સાવચેતીના ભાગરૂપે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તમામ ફરસાણની દુકાન ધરાવતા લોકોને ખાસ નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. જેમાં દુકાનમાં વધુ માણસોને લગાવીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાશે અને પેકિંગ પણ ઝડપી બનાવાશે.

દશેરાને લઈને ફૂડ ડિપાર્ટમેન્ટ સાથે વાત કરીને દુકાનધારકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ વેપારીઓએ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનાં બેનરો લગાવવાનાં રહેશે. આ બેનરમાં - જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીં - તેવો મેસેજ રહેશે. રેસ્ટોરાં કે દુકાનમાં ખુરશી-ટેબલમાં પણ નિયમોને આધીન પ્રવેશ મળશે. 250-500 ગ્રામનાં તૈયાર પેકિંગ પર ભાર મુકાશે જેથી કરીને લોકોને ઊભું ન રહેવું પડે. સ્ટાફ ગ્લવ્સ પહેરે અને માસ્ક પહેરે તેનું ધ્યાન રખાશે. માત્ર ટેક અવે પર ભાર મુકાશે.

400 કરોડને બદલે આ વર્ષે 200 કરોડનો ધંધો થવાનો અંદાજ ગુજરાતમાં દર વર્ષે દશેરાનાં દિવસે લોકો રૂ. 400થી 500 કરોડનાં ફાફડા, ચોળાફળી અને જલેબી આરોગી જાય છે. જો કે આ કોરોનાને લીધે ઘરાકી ઓછી રહેશે. એસોસિયેશના અધ્યક્ષ કિશોર શેઠે જણાવ્યું કે, કોરોના મહામારીમાં ચેપનાં ડરથી ઘણા લોકો બહાર નહીં નીકળે તો બીજી બાજુ મોંઘવારી અને અન્ય આર્થિક પરિબળોને લીધે લોકો ફાફડા-ચોળાફળી ઓછા ખાશે. અમે 50 ટકા ઘરાકી વિચારી રહ્યા છીએ. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં 200 કરોડની આસપાસ દશેરાની ઘરાકી રહેશે.

Tags:    

Similar News