અમદાવાદ : પિતાએ પોતાની મિલકત ટ્રસ્ટના નામે કરી, તો બન્ને દીકરાએ મિલકત પરત લેવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા...

પિતાએ તેમની તમામ મિલકતો ટ્રસ્ટને દાનમાં આપી દેતા તેમના બન્ને પુત્રોએ મિલકત મેળવવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

Update: 2023-02-16 11:38 GMT

પિતાએ તેમની તમામ મિલકતો ટ્રસ્ટને દાનમાં આપી દેતા તેમના બન્ને પુત્રોએ મિલકત મેળવવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. મિલકતમાંથી બેદખલ થયેલા પુત્રોએ હક મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી છે. જેથી હાઇકોર્ટ ખાનગી ટ્રસ્ટ અને પાવર ઓફ એટર્ની નોટિસ કાઢીને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે 2 સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રશ્મિકાંત ઠક્કર તેમના પત્ની નીમા ઠક્કર સાથે એકલા રહેતા હતા, જ્યારે ઇન્કમટેક્સ ઓફિસમાં ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત થયેલા રશ્મિકાંતના બન્ને દીકરા યુ.કેમાં સ્થાયી થયા હતા. વર્ષ 2018માં રશ્મિકાંતના પત્ની નીમાબેનને કિડનીની બીમારી થતાં તેઓ પથારીવશ થઈ ગયા હતા. આ દરમિયાન રશ્મિકાંત ઠક્કર યુ.કે ખાતે રહેતા બન્ને દીકરાઓને માતાને મળવા આવવા કહ્યું હતું. જોકે, તેઓ માતાને મળવા ભારત આવ્યા નહોતા. જે બાદ વર્ષ 2019માં નીમાબેનનું મૃત્યુ થયું હતું. જેથી બન્ને દીકરાને માતાની અંતિમવિધિ માટે આવવા કહ્યું હતું. છતાં એકય આવ્યા નહોતા. જેથી રશ્મિકાંત ઠક્કર અને તેમના પત્નીની સેવા ચાકરી કરતા તેમના મિત્રના દીકરા કિશોર ઓડેદરાને તમામ મિલકત આપી દેવાનો નિર્ણય રશ્મિકાંતભાઈએ કર્યો હતો. પરંતુ કિશોરે મિલકત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જેથી રશ્મિકાંતભાઈ તેમના મૃત્યુ બાદ સેટેલાઈટમાં આવેલા બંગલો અને સીજી રોડ પર આવેલી ઓફિસ જ્ઞાતિ ટ્રસ્ટને દાનમાં આપવાનું નક્કી કર્યું હતું, જ્યારે રોકડ અને ઘરેણાં કિશોરને ભેટમાં આપી દીધા હતા. તેમણે પાવર ઓફ એટર્ની બનાવી લીધી હતી. 2 વર્ષ બાદ રશ્મિકાંતભાઈનું પણ અવસાન થતાં તેમની ઇચ્છા મુજબ તેમનો બંગલો અને ઓફિસ તેમણે અગાઉથી જ નક્કી કર્યા મુજબ ટ્રસ્ટને આપી દીધા હતા. તેમના અવસાન બાદ બન્ને દીકરા યુ.કે.થી ઇન્ડિયા આવ્યા, ત્યારે તેમને જાણ થઈ હતી કે, તેમના પિતાએ બંગલો અને સીજી રોડ પર આવેલી ઓફિસ જ્ઞાતિના ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે. તેમના પિતાએ એક પાઈ પણ દીકરાઓને આપી નથી. જેથી બન્ને દીકરાઓએ મિલકત મેળવવા હાઈકોર્ટ પહોંચ્યા છે. 

Tags:    

Similar News