ગુજરાત : ખંભાતમાં અશાંતધારો લાગુ, એસપી સહિત બે અધિકારીઓની બદલી

Update: 2020-02-25 12:48 GMT

આણંદ જિલ્લાના ખંભાતના અકબરપુરા વિસ્તારમાં ફાટી નીકળેલા તોફાનો બાદ જન આક્રોશ ફાટી નીકળ્યો છે. તોફાનીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે હીંદુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું. હજારો લોકો ટાવર પાસે એકત્ર થયા હતાં અને રેલી કાઢી હતી. ઘટના બાદ એકશનમાં આવેલી રાજય સરકારે તાત્કાલિક અસરથી ખંભાતમાં અશાંતધારો લાગુ કરી દીધો છે. રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બદલાયેલી ડેમોગ્રાફિક સ્થિતિને લીધે ખંભાતમાં અશાંત ધારો લાગુ કરવાની લોકોની માંગણી હતી જેનો સરકારે સ્વીકાર કર્યો છે.

અશાંતધારો લાગુ પડી ગયા બાદ હવે ખંભાતમાં મકાનો કે મિલકતોની લે-વેચ કરતાં પહેલાં કલેકટરની મંજુરી લેવી ફરજિયાત બની ગઇ છે. બીજી તરફ ખંભાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે રેન્જ આઈ.જી એ.કે જાડેજા જાતે ખંભાતમાં છે. ખંભાતમાં વણસેલી સ્થિતિ બાદ આણંદના એસપી મકરંદ ચૌહાણ અને ખંભાતના ડીવાયએસપી રીમા મુન્શીની બદલી કરી દેવામાં આવી છે. મકરંદ ચૌહાણના સ્થાને અજિત રાજીયાણ અને રીમા મુન્શીના સ્થાને ભારતી પંડયાની નિયુક્તિ કરવામાં આવી છે.

Similar News