ભરૂચ : અંકલેશ્વરના વેપારીઓમાં ભાગલાં, દુકાનો બંધ રાખવાના નિર્ણયનું સુરસુરિયું

Update: 2020-07-25 09:35 GMT

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં શનિવાર અને રવિવારના રોજ બજારો બંધ રાખવાના નિર્ણયનું વેપારીઓ વચ્ચે પડેલાં ભાગલાના કારણે સુરસુરિયું થઇ ગયું હતું.

કોરોના વાયરસના સંક્રમણનો ભય ઘટવાને બદલે વધી ગયો છે, ત્યારે અંકલેશ્વર શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે પાલિકા તંત્ર અને વેપારી મંડળના સભ્યો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં શનિવાર અને રવિવારના રોજ બજારોને સદંતર બંધ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં મોટા વેપારીઓને બોલાવવામાં આવ્યાં હતાં અને તેમણે શનિવાર અને રવિવારના રોજ બજારો સદંતર બંધ રાખવાનો નિર્ણય લઇ લીધો હતો.

પાલિકા તંત્રના વલણ સામે નાના વેપારીઓમાં રોષ ફેલાયો હતો અને જેની અસર શનિવારના રોજ બજારોમાં જોવા મળી હતી.નાના વેપારીઓએ શનિવારે પોતાની દુકાનો ખોલી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમને કલેકટર આદેશ આપશે તો જ અમે શનિવાર અને રવિવારના રોજ દુકાનો બંધ રાખીશું..

બીજી તરફ છેલ્લા 3 મહિનાથી લોકડાઉનના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું ગુજરાન ચલાવાવું ઘણું કઠિન બન્યું છે, ત્યારે હવે શહેરમાં શનિવાર અને રવિવારના રોજ લોકડાઉન રાખવામાં આવશે તો નાના વેપારીઓની હાલત કફોડી બની જશે. યુવા કોંગ્રેસના આગેવાન સોયેબ ઝઘડીઆવાલાએ પણ અંકલેશ્વર પાલિકાની બેવડી નિતિ સામે સવાલ ઉઠાવ્યાં છે.

અંકલેશ્વર શહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 200 સુધી પહોંચવા આવી છે. મોટા ભાગના કેસો લોકલ ટ્રાન્સમીશનના કારણે ફેલાય રહયાં છે ત્યારે બજારો બંધ રાખવાના બદલે કામ વગર ઘરની બહાર નીકળતાં લોકો સામે કડક હાથે કાર્યવાહી કરાય તેવી પણ વેપારીઓએ માંગ કરી છે. કોરોના હવે ઝડપથી ફેલાય રહયો છે ત્યારે આપણી સલામતી માટે હવે આપણે જ જાગૃત બનવાની જરૂર છે..

Similar News