ભરૂચ : પોલીસની સમજાવટથી જળવાયો મોતનો મલાજો, સ્થાનિકોએ કરવા દીધાં અંતિમ સંસ્કાર

Update: 2020-07-04 10:30 GMT

ભરૂચમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા બે દર્દીઓના મૃતદેહ અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રઝળતા રહયાં હતાં. સ્થાનિકોએ સ્મશાન બાદ નદી કિનારે પણ અંતિમ સંસ્કાર નહિ કરવા દેતાં બે કલાક સુધી હોબાળો મચી ગયો હતો. આખરે પોલીસની સમજાવટથી મોતનો મલાજો જળવાયો હતો.

ભરૂચમાં કોરાનાના કારણે મૃત્યુ પામતાં દર્દીઓના અંતિમ સંસ્કાર માટે અલાયદી જગ્યાનો અભાવ જોવા મળી રહયો છે. શનિવારના રોજ બે મૃતદેહ ભરૂચના શાંતિવન સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યાં હતાં પણ સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો હતો. લોકોના વિરોધના પગલે એક મૃતદેહને નદી કિનારે દફનાવવામાં આવે જયારે બીજાના નદી કિનારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે તેવો નિર્ણય લેવાયો હતો. નર્મદા નદીના કિનારે કબર ખોદવા માટે જેસીબી બોલાવવામાં આવ્યું હતું. જેસીબી આવતાંની સાથે સ્થાનિકોએ જેસીબીનો ઘેરાવો કરી લીધો હતો. લોકોએ મૃતદેહના અંતિમ સંસ્કારથી સલામતી જોખમાશે તેવી દહેશત વ્યકત કરી હતી.

બે કલાક સુધી મૃતદેહો રઝળતા પડી રહયાં હતાં. આખરે ભરૂચના ડીવાયએસપી ડી.પી. વાઘેલાએ લોકોને માનવતા ખાતર મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા દેવામાં આવે તેવી વિનંતી કરતાં લોકોએ તેમની વિનંતી સ્વીકારી હતી. કલાકોની રઝળપાટ બાદ બંને દર્દીઓના અંતિમ સંસ્કાર શકય બન્યાં હતાં.

Similar News